સુપરપાવર અમેરિકા હાલ કોરોના વાયરસના સૌથી મોટા હુમલાનો સામનો કરી રહ્યું છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ લોકો અમેરિકામાં છે અને મૃતાંક પણ ઝડથી વધી રહ્યો છે.નિષ્ણાંતોએ અમેરિકાને લઈને ગંભીર ગાઈડલાઈન્સનું પાલન કરવા છતાંયે 1,00,000 થી 2,40,000 લાખ અમેરિકી નાગરિકોના મોત નિપજે તેવી ભીતી વ્યક્ત કરી છે. તેમના મતે આગામી બે સપ્તાહમાં કોરોનાનો કહેર તેની ચરમસીમાએ પહોંચી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે હવે સક્રિયતા દાખવતા 19 દિવસ પહેલા જાહેર કરેલી ગાઈડલાઈન્સને 30 દિવસ વધારી દીધી છે.સરકારને ડર છે કે,આ ખતરનાક વાયરસની ઝપટમાં આવવાથી દેશમાં 1 થી 2.4 લાખ લોકોના મોત થઈ શકે છે.
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 770 લોકોએ જીવ ગુમાવ્યો છે.અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 88 હજાર 578 થઈ ગઈ છે. જ્યારે 4054 લોકો મોતને ભેટી ચૂક્યા છે. જેને લઈ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આ ત્રાસદીના કારણે આવનાર બે અઠવાડીયા દેશમાટે ભારે મુશ્કેલીભર્યા છે. ટ્રમ્પ બાદ તેમની ટાસ્ક ફોર્સના ટોપ હેલ્થ ઓફિસર ડૉ, ડેબોરા બર્ક્સે કહ્યું હતું કે, ગાઈડલાઈન્સનું પાલન કરવા છતાંયે 1,00,000 થી 2,40,000 લાખ અમેરિકી નાગરિકોના મોત નિપજે તેવી ભીતી સેવાઈ રહી છે.
મુશ્કેલ સમય માટે તૈયાર રહો : ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ડેઈલી બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે આવાનર મુશ્કેલ દિવસો માટે દરેક અમેરિકન તૈયાર રહે. દેશ માટે પરીક્ષાની ઘડી છે. પહેલા આપણે આ પ્રકારના કોઈ સંકટનો સામનો નથી કર્યો. સંક્રમિતોની સંખ્યાને ઘટાડવા માટે આપણે તેઓ પ્રત્યે એકતા અને પ્રેમભાવ બતાવવાની જરૂર છે. આ જીવન અને મોતનો સવાલ છે. દેશમાં એક મહિનો સોશિયલ ડેસ્ટેંસિંગ રાખવાનું કહેવામાં આવી શકે છે. વ્હાઈટ હાઉસના અધિકારી ડેબોરાહ બીરક્સે મંગળવાર કહ્યુ હતું કે આપણા દેશમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે. અમને વિશ્વાસ અને આશા છે કે આ બીમારી સામે લડવા માટે દરેક દિવસે સારી રીતે લડીશું.
30 દિવસની ગાઈડલાઈન્સ
ભારતમાં મોદી સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જ્યારે અમેરિકામાં 30 દિવસ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો તમે બિમાર હોવ તો કામ પર ના જાવ, બિમાર બાળકોને સ્કૂલે પણ ના મોકલો. ઘરમાં જો કોઈ સભ્ય કોરોના પોઝિટિવ જણાયો છે તો અન્ય સભ્યો પણ ઘરની બહાર ના નિકળે.
ઈકોનોમી બચાવવા માટે લોકડાઉનની જાહેરાત નહીં?
કોરોનાથી અત્યારે ફક્ત માણસજાતિને નુકસાન થઈ રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યાં છે. અર્થવ્યવસ્થાને શું નુકસાન થયું તેનું આકલન થયું નથી. જો કે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે અમેરિકાની સ્થિતિ પરિદ્રશ્યની સાથે AAA રેટિંગ યથાવત રાખ્યું છે. પરંતુ આ સાથે જ કહ્યું છે કે જો કોરોના વાયરસથી દેશની સ્થિતિ બગડશે તો તેની અસર રેટિંગ પર પડશે. અમેરિકાએ વિશેષજ્ઞોની એલર્ટ પર ધ્યાન આપતા લોકોને ઘરોની અંદર રહેવાનું ચોક્કસપણે કહ્યું છે પરંતુ યુરોપીય દેશો અને ભારતની જેમ લોકડાઉનનો વિકલ્પ હજુ પસંદ કર્યો નથી. જેનું સૌથી મોટું કારણ દેશની ઈકોનોમીને મંદીના મારથી બચાવવાનું છે.