ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે,હવે સોમવારે મતદાન યોજાવાનું છે.આ વખતની ચૂંટણીમાં ટિકિટ ના મળવાથી દરેક પાર્ટીમાં નારાજગી સામે આવી હતી.જેમાં કેટલાક નારાજ નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.આવા બળવાખોર નેતાઓ સામે ભાજપે લાલઆંખ કરી છે.
આજે પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બળવાખોરોને ચેતવણી આપતા જણાવ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે.પાર્ટીમાં ગેરશિસ્ત ક્યારેય નહીં ચલાવી લેવાય.અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કેટલાક લોકોએ બળવો પોકાર્યો હતો.જે પૈકી અમુક લોકો જીત્યા હોવા છતાં અમે તેમને પાર્ટીમાં નથી લીધા.વિધાનસભા ચૂંટણીમાં પણ બળવાખોર ઉમેદવારના જીતવાની કોઈ શક્યતા નથી.આમ છતાં જો તેઓ જીતશે,તો પણ અમે તેમને પાર્ટીમાં ફરીથી લેવાના નથી.પક્ષમાં ગેરશિસ્ત આચરનાર કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને સસ્પેન્ડ કરવામાં આવેલ કાર્યકર્તાઓને ભાજપમાં પરત લેવાના નથી.
અગાઉ જીતુ વાઘાણીએ પણ મહીસાગરના લુણાવાડામાં જાહેર મંચ પરથી બળવાખોરોને કડક સંદેશ આપ્યો હતો.જેમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ ભાજપને દગો કર્યો છે,તેમને પાર્ટીમાં ફરીથી લેવાના નથી.જેમને ભાજપે મોટા કર્યાં છે,તેઓએ બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સાથે દગો કર્યો છે.તેમને ફરીથી પાર્ટીમાં લેવાની જગ્યાએ અમે નવા ઉમેદવાર તૈયાર કરીશું.
જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી જે લોકોને ટિકિટ નથી મળી,તેવા અનેક ટિકિટવાંચ્છુઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.ભાજપના આ બળવાખોર નેતાઓ કઈ પાર્ટીનું ગણિત બગાડે છે? તે જોવું રહ્યું.