સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી અને બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે.ત્યારે આ વખતે કોની સરકાર બનશે, કોને કેટલી સીટો મળશે તે માટે ચર્ચાઓ અને અટકળો થઇ રહી છે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.ત્યારે સુરતમાં પણ કાઉન્ટીગ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.સુરત શહેરની SVNIT કોલેજ ખાતે 6 તથા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 વિધાનસભા બેઠકોની મતગણતરી થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખુબ જ રોમાચંક રહી હતી.આ વખતે ચૂંટણીમાં ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો હતો.ચૂંટણી દરમિયાન આરોપ પ્રતિ આરોપનો દોર પણ ખુબ ચાલ્યો હતો તેમજ મતદારોને રીઝવવા માટે સ્ટાર પ્રચારકોએ સભાઓ પણ ખુબ ગજવી હતી.સુરત જિલ્લાની 16 બેઠકોના 168ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.આપ,ભાજપ,કોંગ્રેસ અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળી કુલ ૧૬૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે.ત્યારે હવે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે અને ત્યારબાદ કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઇ જશે.ચૂંટણી પૂર્ણ થતા જ અનેક અટકળો અને ચર્ચાઓ જાગી છે.સુરત શહેરમાં પણ કાઉન્ટીગ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
સુરતમાં SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.અહીં સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ મશીન હોવાથી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 10 અને SVNITમાં 6 વિધાનસભાની મત ગણતરી થશે.ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ચોર્યાસી,માંગરોળ,માંડવી,કતારગામ,સુરત પશ્ચિમ,ઉધના,બારડોલી,મહુવા,કામરેજ અને ઓલપાડ વિધાનસભાની મતગણતરી થશે જ્યારે એસવીએનઆઈટી ખાતે લિંબાયત,વરાછા રોડ,મજુરા,કરંજ,સુરત પૂર્વ અને સુરત ઉત્તરની મત ગણતરી થશે.સવારે 8 કલાકે મતગણતરી શરૂ થશે અને જેમ જેમ ગણતરીઓ થતી જશે તેમ તેમ ચૂંટણી પંચની વેબસાઈટ પર પરિણામો આવતા જશે.મતગણરી સ્થળોએ અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે.
SVNIT કોલેજ ખાતે મતગણતરીમાં 163-લિંબાયત વિધાનસભામાં 23 રાઉન્ડમાં 135 કર્મચારીઓ જોડાશે. 161-વરાછા રોડની વાત કરીએ તો 17 રાઉન્ડમાં મતગણતરી થશે. 14 ટેબલ મળી કુલ 50 કર્મચારીઓ જોડાશે. 165-મજુરા વિધાનસભામાં 19 રાઉન્ડમાં 80 કર્મચારીઓ, 162-કરંજ વિધાનસભામાં 18 રાઉન્ડ તથા 30 કર્મચારીઓ, 159-સુરત પૂર્વ વિધાનસભામાં 18 રાઉન્ડમાં 60 કર્મચારીઓ, 160-સુરત ઉત્તર વિધાનસભામાં 17 રાઉન્ડ અને 50 કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે.
એસ એન્ડ એસ.એસ.ગાંધી કોલેજ ઓફ એન્જિનીયરીંગ-મજુરા ગેટ ખાતે 10 વિધાનસભાની મતગણતરી થશે.જેમાં 168-ચોર્યાસી વિધાનસભામાં 38 રાઉન્ડમાં મતગણતરી તથા 70થી 80 કર્મચારીઓ જોડાશે. 156-માંગરોળ વિધાનસભામાં 21 રાઉન્ડમાં ગણતરી અને 70 કર્મચારીઓ જોડાશે.આ ઉપરાંત, 157-માંડવી વિધાનસભામાં 22 રાઉન્ડમાં 285 કર્મચારીઓ, 166-કતારગામ વિધાનસભામાં 21 રાઉન્ડ તથા 85 કર્મચારીઓ, 167-સુરત પશ્ચિમમાં 19 રાઉન્ડ 187 કર્મચારીઓ, 163-લિંબાયતમાં 23 રાઉન્ડ અને 135 કર્મચારીઓ, 164-ઉધના વિધાનસભામાં 18 રાઉન્ડમાં મતગણતરી 300 અધિકારી-કર્મચારીઓ, 169-બારડોલી વિધાનસભામાં 20 રાઉન્ડ તથા એક રિઝર્વ રાઉન્ડ મળી 21 રાઉન્ડમાં મતગણતરી અને 200 કર્મયોગીઓ, 170-મહુવા વિધાનસભામાં 20 રાઉન્ડમાં 80 અધિકારી-કર્મચારીઓ, 158-કામરેજમાં 38 રાઉન્ડમાં 150 કર્મચારીઓ, 155-ઓલપાડમાં 32 રાઉન્ડમાં 250 કર્મચારીઓ મતગણતરીની ફરજમાં જોડાશે.તા.8ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે.જેની નિયમ મુજબ ગણતરી શરૂ કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે.
સુરત જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા જરૂરી નિયંત્રણો ફરમાવ્યા છે.આ જાહેરનામા મુજબ મતગણતરી કેન્દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓની મંડળી/સભા કોઈએ ભરવી નહીં કે બોલાવી એકઠા થવું નહીં કે સરઘસ કાઢવું નહીં તેમજ મતગણતરી કેન્દ્રના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઈ જઈ શકશે નહીં.કોઈપણ વ્યક્તિ સમક્ષ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં, તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.
ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ કે જેમને વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહીં. ઉમેદવાર,ચૂંટણી એજન્ટ,મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રના હોલમાં મોબાઈલ ફોન,કોર્ડલેસ ફોન,ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ,સ્માર્ટ વોચ,વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
મીડિયા વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારોને વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ/મુખ્ય નિર્વાચન અધિકારી,ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવ્યા છે.જે પાસધારક મીડિયા પ્રતિનિધિઓ મતગણતરી કેન્દ્ર ખાતેના મિડીયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે,પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મતવિસ્તારના મતગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ છે.જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મતગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અતિ આવશ્યક હોવાથી બિલ્ડીંગ કે કમ્પાઉન્ડમાં પાન-મસાલા,ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે.નિયત પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.


