ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે મતદાન પુરુ થયાં બાદ એક્ઝિટ પોલના તારણો જાહેર થઈ રહ્યાં છે.મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપ બહુમતીથી સરકાર બનાવે છે તેવું જાહેર કરી રહ્યાં છે,તેના કારણે રાજકારણ ગરમાયું છે.તેની સાથે સાથે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે નેતાઓના નિષ્ક્રિય રહેવાની ફરિયાદ પણ બહાર આવી રહી છે.ચૂંટણીમાં રાજકીય પક્ષના નેતાઓ નિષ્ક્રિય કે અંદરખાને વિરોધમાં કામગીરી કરી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ થયું હતું. ટિકિટ ફાળવણી બાદ દરેક પક્ષમાં નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી તે મતદાન વખતે પણ યથાવત રહી હતી.શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં કોઈ સીધો બળવો તો થયો ન હતો પરંતુ નારાજ નેતાઓ અને કાર્યકરોએ આ ચૂંટણીમાં અંદરખાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી કે નિષ્ક્રિય રહ્યા હતા તેવી ફરિયાદ પ્રચાર અને મતદાન બાદ પણ સાંભળવા મળી છે.
સુરતની સૌથી ચર્ચાસ્પદ એવી વરાછા અને કતારગામ બેઠક પર ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ અને કાર્યકરો મતદાન વખતે પણ નારાજ રહ્યા હતા.કેટલાક નેતાઓએ તો વિરોધી પક્ષના ઉમેદવારોને પક્ષની માહિતી પણ પુરી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.આવી જ રીતે સૂરત-પૂર્વ બેઠક,કામરેજ અને ઓલપાડ વિધાનસભામાં પણ નારાજ નેતાઓ અને કાર્યકરોએ ક્યાંક દેખાડા પૂરતી કામગીરી કરી હતી તો ક્યાંક નિષ્ક્રિય રહ્યા હતા,તો ક્યાંક અંદરખાને વિરોધની કામગીરી કરી હતી.