સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વખતે જબરદસ્ત મુકાબલો થયો છે.વરાછા બેઠક પર કાકા ભત્રીજા એટલે કે ભાજપમાંથી કુમાર કાનાણી અને આપમાંથી અલ્પેશ કથિરીયા વચ્ચે જંગ ખેલાયો છે.ત્યારે બંને ધુરંધરોમાંથી આવતી કાલે કોણ જીતશે એતો પરિણામ જ બતાવશે.પરંતુ તે પહેલાં જ સુરતની વરાછા બેઠક પર કથિરીયાના સમર્થનમાં નાના વેપારીઓએ જુદી જુદી સ્કીમોની જાહેરાત કરી દીધી છે.
ચાનો વેપારી તમામને ચા મફતમાં પીવડાવશે
વરાછા સીટ પર જો અલ્પેશ કથિરીયા જીતી જાય તો 500 ગ્રામ ભજીયાની સાથે બીજા 500 ગ્રામ ભજીયા ફ્રીની સ્કીમ શરૂ થઈ ગઈ છે.સોશિયલ મીડિયામાં આ પ્રકારના સ્ટીકર્સ વાયરલ થઈ રહ્યાં છે.આ ઉપરાંત એક ઓટોમોબાઈલ ધારકે એવી સ્કીમ ચાલુ કરી છે કે કથિરીયા જીતશે તો ગાડીની સર્વિસ બિલકુલ ફ્રીમાં કરી આપશે.ચાના વેપારીએ પણ અલ્પેશ કથિરીયાને સમર્થન આપ્યું છે અને તમામને તેની જીતની ઉજવણીમાં ચા ફ્રી આપવાની જાહેરાત કરી છે.
લેબોરેટરી ટેસ્ટમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું
તે ઉપરાંત વરાછામાં લેબોરેટરી ટેસ્ટમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.જ્યારે એક કેક શોપ વાળા તરફથી કેક પણ મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.અહીં સુધી તો બરાબર છે પણ મીની બજારમાં એક ફરસાણના વેપારીએ ખમણનો નાશ્તો પણ મફતમાં આપવાની વાત કરી છે.