AIMIM ગુજરાતમાં એકપણ સીટ જીતી શકી નથી અને તેનો વોટ શેર 0.3% ઓછો છે. AIMIMના મોટાભાગના ઉમેદવારોએ ચૂંટણીમાં તેમની સિક્યોરિટી ડિપોઝીટ ગુમાવી દીધી છે.એટલે કે ગુજરાતીઓએ હૈદરાબાદથી પ્રવાસે આવેલા અસદુદ્દીન ઓવૈસીને રિટર્ન ગિફ્ટમાં કારમી હાર અને નિરાશા જ આપી છે.2022નું આ ગુજરાત વિધાનસભા ઈલેક્શન ઘણી રીતે અલગ તરી આવ્યું છે.એવું પહેલી વાર બન્યું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા કોઈ પક્ષે અસરકારક ભાગ ભજવ્યો હોય.ગુજરાતમાં આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સત્તાનો જંગ હતો. AIMIMના 14 ઉમેદવારો ઉભા રાખીને ઓવૈસીએ પણગુજરાતમાં પોતાની કિસ્મત અજમાવી હતી.
AIMIMએ ગુજરાતની એ 14 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જ્યાં મુસ્લિમ મતદારો બહુમતીમાં અંથવા ખુબ મોટા પ્રમાણમાં હતા.આમાંથી મોટાભાગની બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની કહેવાતી હોય છે. 2017માં આ 14માંથી 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. 2022માં આ 14માંથી 11 બેઠકો પર ભાજપે વિજય મેળવી છે.
ઓવૈસીને પહેલાથી આશા હતી કે ગુજરાતના મુસ્લિમો ખુલ્લા હાથે તેમને આવકારશે.ઓવૈસીએ પ્રચાર દરમિયાન ગુજરાતની અનેકવાર મુલાકાત લીધી હતી અને ઘણી સભાઓ ગજવી હતી.તેની સભાઓનો પ્રતિસાદ મિશ્રિત રહ્યો હતો.સભાઓમાં ભીડ તો જોવા મળતી હતી પણ સાથે સાથે ઠેર ઠેર મુસ્લિમો દ્વારા તેમનો વિરોધ થતો પણ જોવા મળી રહ્યો હતો.
આમ આદમી સિવાય આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અન્ય એક મોટી પાર્ટી પણ હતી. AIMIMએ 14 બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. આ 14 મેથકો આ મુજબ હતી;
– માંડવી : મહંમદ ઇકબાલ માંજલીયા
– ભુજ : શકીલ સમા
– વડગામ (SC) : કલ્પેશ સુંઢિયા
– સિદ્ધપુર : અબ્બાસભાઈ નોડસોલા
– વેજલપુર : ઝૈનબબીબી શૈખ
– બાપુનગર : શાહનવાઝ પઠાણ
– દરિયાપુર : હસનખાન પઠાણ
– જમાલપુર-ખાડિયા : સાબિર કાબલીવાલા
– દાણીલીમડા (SC) : કૌશિકા પરમાર
– ખંભાળિયા: યાકુબ બુખારી
– માંગરોળ : સુલેમાન પટેલ
– ગોધરા : મુફ્તી હસન કાચબા
– સુરત પૂર્વ : વસીમ કુરેશી
– લિંબાયત : અબ્દુલ બસીર શેખ
હજુ તો ફોર્મ ભરાયા જ હતા ત્યાં જ AIMIMને એક ઝટકો લાગી ચુક્યો હતો.ફોર્મ પરત લેવાના છેલ્લા દિવસે જ તેમના બાપુનગરના AIMIM ઉમેદવાર શાહનવાઝ પઠાણે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.AIMIMએ લગભગ તમામ મુસ્લિમ બહુલ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા.અને આ બેઠકો પર મોટાભાગે કોંગ્રેસના જ ધારાસભ્યો હતા. AIMIM જ્યાં જ્યાં લડી હતી એ મુખ્ય બેઠકો જમાલપુર-ખાડિયા,દાણીલીમડા,દરિયાપુર અને વડગામ હતી.કોંગ્રેસને પોતાના મુસ્લિમ મત કપાવાની ભીતિ થતા તેઓએ એવી વાત ફેલાવવાની શરુ કરી કે AIMIM એ ભાજપની B ટિમ છે અને ઓવૈસીએ RSSના એજન્ટ છે.અને આ વાત ફેલાવવામાં તેઓ મહદઅંશે સફળ પણ રહ્યા હતા.યાદ હોય તો બીજા તબક્કાના મતદાન પહેલા જ અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે મુસ્લિમોએ પોતાના મતમાં વિભાજન થવા દેવું ન જોઈએ.તેમણે મુસ્લિમોને AIMIMની જગ્યાએ કોંગ્રેસને વોટ કરવા માટે કહ્યું હતું.
આ સિવાય પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતભરમાં અનેક જગ્યાઓએ ઓવૈસીનો કાળા વાવટા ફરકાવીને તથા ‘ગો બેક’ ના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે.મોટા ભાગના મુસ્લિમ સમાજના લોકોનું માનવું હતું કે AIMIMએ કોંગ્રેસના વોટ કાપીને ભાજપને મદદ કરવા સિવાય બીજું કાંઈ નહિ કરી શકે.
ઓવૈસીએ મત માટે પોક પણ મૂકી હતી
ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાના મતદાન બાદ જયારે ઓવૈસી બીજા તબક્કાની બેઠકો માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેઓ ભાવુક થઇ ગયા હતા. 2 ડિસેમ્બરના રોજ જમાલપુરમાં જાહેર સભા સંબોધી રહ્યા ત્યારે તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા.ઓવૈસીએ રડતા રડતા લોકોને અપીલ કરી હતી કે તેઓ સાબિરને જીતાડે જેથી કરીને અહીં ફરીથી કોઈ બિલકિસ સાથે અન્યાય ન થાય.ઔવેસીએ પ્રજા સમક્ષ મતોની ભીખ માંગી હતી અને કહ્યુ હતું કે, “અલ્લાહ તુમ સાબીર કો MLA બના દો.”
ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદ જમાલપુરમાં જે જગ્યાએ ઓવૈસી પોક મૂકીને રડ્યા હતા એ જ જગ્યાએ કોંગ્રેસ ઉમેદવારની જીત બાદ સ્થાનિક મુસ્લિમ મતદારોએ ઓવૈસીના ફોટા પર નાચતા કુદતા કોંગ્રેસની જીતનો ઉત્સવ મનાવ્યો હતો.
AIMIMની દરેક બેઠકનું પરિણામ
1. બાપુનગર : જ્યારે AIMIN આ બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા હતા,ત્યારે તેમના ઉમેદવાર શાહનવાઝ પઠાણે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને આ બેઠક પર કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.અહીંથી ભાજપને વિજેતા જાહેર કરવામાં આવી છે.
2. ભુજ : શકીલ સમાને અહીં AIMIM ની ટિકિટ મળી હતી અને 17% મત મેળવીને 15% વોટ શેરનો આંકડો પાર કર્યો હતો,પરંતુ તેઓ ભાજપ અને કોંગ્રેસ પછી ત્રીજા ક્રમે આવ્યા હતા. ભાજપના કેશુભાઈ પટેલ 53% થી વધુ મતો સાથે જીત્યા.
3. દાણીલીમડા (SC) : AIMIM ઉમેદવાર કૌશિકા પરમાર અહીં માત્ર 1.58% મત મેળવી શક્યા અને કોંગ્રેસના શૈલેષ પરમાર સામે હાર્યા જેમણે 44% થી વધુ મત મેળવ્યા.ભાજપના નરેશભાઈ શંકરભાઈ વ્યાસ 35.5% વોટ શેર સાથે બીજા ક્રમે રહ્યા હતા.
4. દરિયાપુર : હસનખાન પઠાણ ઉર્ફે,તેમના ઉમેદવારી ફોર્મમાં જણાવ્યા મુજબ હસનલાલા,ખરાબ રીતે નિષ્ફળ ગયા.તેઓ 2000 થી ઓછા મતો સાથે માત્ર 1.42% મત મેળવી શક્યા.આ બેઠક ભાજપે જીતી હતી જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે રહી હતી.
5. ગોધરા : મુફ્તી હસન કાચબાએ 2002માં થયેલી હત્યાકાંડ માટે જાણીતી બેઠક પરથી ચૂંટણી લડી હતી.તેમને 5.1% વોટ શેર સાથે સંતોષ માનવો પડ્યો હતો.તેઓ ભાજપના સીકે રાઉલજી સામે હારી ગયા જેમણે અહીં 50%થી વધુ મત મેળવ્યા હતા જે AIMIM ઉમેદવાર કરતા લગભગ દસ ગણા વધારે છે.કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણ 32%થી વધુ મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા.
6. જમાલપુર-ખાડિયા : સાબીર કાબુલીવાલાએ દેખીતી રીતે અહીં કોંગ્રેસના વોટ શેરમાં ઘટાડો કર્યો હતો કારણ કે તેમને કુલ મતના 12 ટકાથી વધુ મત મળ્યા હતા.પરંતુ કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાને હરાવવા માટે આ અપૂરતું હતું જેમણે મુસ્લિમ મતોનો મોટો હિસ્સો છીનવી લીધો અને બેઠક જીતી લીધી.બીજેપીના ભૂષણ અશોક ભટ્ટ બીજા સ્થાને છે.
7. ખંભાળિયા : AIMIM ના યાકુબ બુખારી આ મતવિસ્તારમાંથી અન્ય લોકો સાથે સ્પર્ધામાં ક્યાંય ઉભા રહ્યા નથી.તેમને માત્ર 733 મત મળ્યા,જે કુલ મતદાનના 0.4% છે.આ બેઠક પર ભાજપના આયર મુલુભાઈ હરદાસભાઈ બેરા 40% થી વધુ મતો સાથે જીત્યા હતા,જ્યારે કોંગ્રેસ 23.5% સાથે બીજા સ્થાને હતી.
8. લિંબાયત : AIMIMના અબ્દુલ બસીર શેખને અહીં 3% કરતા ઓછા મત મળ્યા છે.ભાજપના સંગીતાબેન પાટીલે 53% થી વધુ મતો સાથે વિજય મેળવ્યો છે,જ્યારે AAP ઉમેદવાર પંકજભાઈ તાયડે 21% વોટ શેર સાથે બીજા ક્રમે છે.કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે હતા.
9. માંડવી : AIMIM ના મોહમ્મદ ઈકબાલ માંજાલિયા આ સીટ પર 5% વોટ શેર સાથે ચોથા ક્રમે હતા જ્યારે BJP ના અનિરુદ્ધ દવે 53% થી વધુ વોટ સાથે વિજેતા બન્યા હતા.
10. માંગરોળ : AIMIMના સુલેમાન પટેલને લગભગ 7.5% મત મળ્યા, 10000 થી વધુ મત નોંધાયા.આ બેઠક પરથી ભાજપના ભગવાનભાઈ કરગટીયા વિજેતા થયા છે,જ્યારે કોંગ્રેસ 26% સાથે બીજા ક્રમે અને AAP 23%થી વધુ વોટ શેર સાથે ત્રીજા ક્રમે છે.
11. સિદ્ધપુર : અબ્બાસભાઈ નોડસોલાએ AIMIMની ટિકિટ પર ચૂંટણી લડી અને અહીં 1% કરતા ઓછા મત મેળવ્યા.ભાજપે સીટ જીતી હતી જ્યારે બીજી નજીકની હરીફાઈમાં કોંગ્રેસ બીજા ક્રમે રહી હતી.
12. સુરત પૂર્વ : AIMIMના ઉમેદવાર વસીમ કુરેશીને અહીં માત્ર 1671 વોટ મળ્યા,જે 1.2% વોટ શેર છે.સુરત પૂર્વમાંથી ભાજપના અરવિંદ રાણા 52%થી વધુ મતોથી જીત્યા.આ સીટ પર પણ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાને 42.4% વોટ શેર સાથે મુસ્લિમ મતોની બહુમતી મળી છે.
13. વડગામ (SC) : કલ્પેશ સુંધિયા આ સીટ AIMIM માટે લડ્યા હતા.પરંતુ અહીં મુખ્ય ટક્કર કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી અને ભાજપના મણિભાઈ વાઘેલા વચ્ચે હતી.અંતે જીગ્નેશ મેવાણી નજીકની લડાઈમાં વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા.
14. વેજલપુર : AIMIMના ઝૈનબ બીબી શેખને આ સીટ પર માત્ર 2310 વોટ સાથે માત્ર 1.01% વોટ મળ્યા છે.વેજલપુરથી ભાજપના અમિત ઠાકર 56%થી વધુ મતોથી જીત્યા હતા.
આમ આ બેઠકોના પરિણામો પરથી જોઈ શકાય છે કે ઓવૈસીની પાર્ટી ચૂંટણીમાં કોઈપણ જાતની અસર કરવામાં નિષ્ફળ રહી છે. AIMIM ગુજરાતમાં એકપણ સીટ જીતી શકી નથી અને તેનો વોટ શેર 0.3% ઓછો છે. AIMIMના મોટાભાગના ઉમેદવારોએ ચૂંટણીમાં તેમની સિક્યોરિટી ડિપોઝીટ ગુમાવી દીધી છે.એટલે કે ગુજરાતીઓએ હૈદરાબાદથી પ્રવાસે આવેલા અસદુદ્દીન ઓવૈસીને રિટર્ન ગિફ્ટમાં કારમી હાર અને નિરાશા જ આપી છે.