– તત્કાલિન સચિવે કુલ.3,57,04,320/- જેટલી અપ્રમાણસર મિલ્કતો રાજ્ય સેવક તરીકે વસાવી
– અમદાવાદ શહેરમાં આ અંગે તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પૂર્વ સભ્ય સચિવ અને અત્યારે ગાંધીનગરમાં સીનીયર એન્વાયર્મેન્ટ એન્જીનીયર અનિલ વસંતલાલ પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ અને આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અનિલ વસંતલાલ શાહે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પગાર અને ભથ્થા વગેરે કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે કરોડો રુપિયાની મિલકતો વસાવી છે તેવી એક અરજી ACBને મળી હતી.આ અરજી મળતા અધિકારીની મિલકતોની તપાસ ચાલુ કરવામાં આવી હતી.તપાસમાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો જેમાં જાણવા મળ્યું કે અધિકારીએ 3.57 કરોડની અપ્રમાણસર મિલકતો પોતાના તથા આશ્રિતોના નામે વસાવી છે. ACBએ ગુનો નોંધી અનિલ ભાઈની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અધિકારી પાસે કઈ-કઈ મિલકત?
S.G Highway કારગીલ પાસે મોંઘોદાટ બંગલો,અમદાવાદમાં દુકાન,કિસાન વિકાસ પત્રો,નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડ,મ્યુચ્યલ ફંડ,પોસ્ટમાં રીકરિંગ અકાઉન્ટમાં રોકાણ મળીને કુલ 3.57 કરોડની મિલકતોનો સમાવેશ થાય છે.
લાંચ રૂશ્નત વિરોધી બ્યુરો દ્વારા ભષ્ટાચાર નિવારણ માટે સરકારી અધિકારી અને કર્મચારીઓ દ્વારા એક જુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં ગેરકાયદેસર રીતે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વઘુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સંબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગે વધુમાં વઘુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આક્ષેપિત અનિલકુમાર વસંતલાલ શાહ (તત્કાલિન સભ્ય સચિવ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર હાલ સિનિયર એન્વાયર્મેન્ટ એન્જીનીયર, વર્ગ-2, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદરનાઓએ રાજ્ય સેવક તરીકે હોદ્દા) વર્ગ અને કાયદેસરના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઈત્યાદી કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણીક રીતે ભ્રષ્ટ રીતે કરોડો રૂપિયાની જમીનો અને સાઘનો તેમના સગાના નામે ખરીદી હોવાની અરજી કચેરીમાં કરવામાં આવી છે.કચેરીમાં કરવામાં આવેલી અરજીને ધ્યાને રાખી અનિલકુમાર શાહ પોરબંદરનાઓની અપ્રમાણસર મિલ્કતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ કરવા અમદાવાદ એસીબીની ટીમ સહિત સ્ટાફ દ્વારા SITની રતના કરવામાં આવી હતી.જે બાદ અનિલકુમાર શાહ સાથે તેમના આશ્રીતોના મિલ્કત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ,બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવ્યા હતા.જે બાદ CBI ગાઈડલાઈન મુજબના એબીસીડી પત્રક અને આવક ખર્ચ ધ્યાને રાખી નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન આક્ષેપિત અનિલકુમાર શાહે 1લી એપ્રિલ 2006થી 31 માર્ચ 2020ના ચેક પિરીયડ દરમિયાન પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઈરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ઘનવાન થવા માટે ચેક પિરીયડના સમયગા દરમિયાન મિલકતો વસાવી હતી. કાયદેસર આવકના સાઘનોમાંથી મેળવેલ આવક કરતાં કુલ.3,57,04,320/- જેટલી અપ્રમાણસર મિલ્કતો રાજ્ય સેવક તરીકે વસાવી હતી. તે નાણાનો પોતાના તથા આશ્રિતોના નામે સ્થાવર મિલકતોમાં રોકાણ કરી ગુનો કર્યો હતો.જેથી અનિલ શાહ વિરુદ્વ ભ્રષ્ટાચાર નિવારણ અઘિનિયમ અને કલમો મુજબ અમદાવાદ શહેરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


