ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જંગી વિજયથી ‘સંપૂર્ણ રાજકીય ચિત્ર’ બદલાઈ જશે : અમિતભાઈ શાહ

92

– આ જંગી જીતે દેશને એક મજબૂત સંદેશ આપ્યો છે કે ગુજરાત ભાજપનો ગઢ હતો અને રહેશે: અમિત શાહ

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2022, સોમવાર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતને 2024ની લોકસભા ચૂંટણી સાથે જોડીને એક મોટું નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જંગી વિજયથી ‘સમગ્ર રાજકીય ચિત્ર’ બદલાઈ જશે.આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, આ જીતની વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર ‘સકારાત્મક અસર’ પડશે.

અમિત શાહ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરત શહેર અને જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. 2022માં ભાજપની ઐતિહાસિક જીતનો હવાલો આપતા જેમાં પાર્ટીએ પોતાનો અને રાજ્યનો શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને મહત્તમ બેઠકો જીતી હતી.શાહે કહ્યું કે આ પરિણામો ગુજરાત પાર્ટીનું ‘ગઢ’ હોવાનોનો પુરાવો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, આ ચૂંટણીમાં અનેક નવા પક્ષો આવ્યા, જુદા જુદા દાવાઓ અને ગેરેંટી આપી પરંતુ પરિણામો બાદ આ તમામ પક્ષોનો સફાયો થઈ ગયો છે.શાહે વધુમાં કહ્યું હતું કે, પરિણામો દર્શાવે છે કે ગુજરાતના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના સ્વાગત માટે તૈયાર છે.આજે આ જંગી જીતે દેશને એક મજબૂત સંદેશ આપ્યો છે કે ગુજરાત ભાજપનો ગઢ હતો અને રહેશે.

શાહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી આ જીત દેશભરના કાર્યકરો માટે ઉત્સાહ,પ્રેરણા અને ઉર્જાનો સ્ત્રોત છે.આ જીત સાથે સમગ્ર રાજકીય ચિત્ર બદલાઈ જશે અને પરિણામોની 2024ની લોકસભા ચૂંટણી પર પણ સકારાત્મક અસર પડશે.તેમના સંબોધનમાં તેમણે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્યોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Share Now