વધુ એક વખત 108ની ટીમ દ્વારા સુરત શહેરમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે.સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં શૌચાલયમાં એક મહિલાની 108ની ટીમે સફળ ડીલવરી કરાવી છે.મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ બાળકી અને મહિલાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરતના અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા અને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીક ચાલી રહેલ બાંધકામની સાઈટ પર મજૂરી કામ કરતા આશિષભાઈ ડામોરની પત્નીને 8 માસનો ગર્ભ હતો.દરમિયાન તેમની પત્નીને સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયા હતા જ્યાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી.જેને લઈને પતિ આશિષભાઈએ 108માં ફોન કરીને જાણ કરી હતી.
108ના એલએચ રોડ લોકેશનની ટીમને કોલ મળતા પાઇલોટ હિતેશભાઈ સોલંકી અને ઇએમટી નિતીન ડાભી સ્થળ પર પહોંચ્યા હતા.મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી અને બાળકનું માથું પણ બહાર આવી ગયું હતું.તેમજ હોસ્પિટલ સુધી પહોચવું શક્ય લાગ્યું ન હતું.જેથી 108ની ટીમે ત્યાં જ ડીલવરી કરવાનું નક્કી કર્યું હતું.
108ની ટીમે શૌચાલયને કવર કરી એમ્બ્યુલન્સમાંથી ડિલિવરી કીટ લઈને મહિલાની ત્યાં જ ડીલવરી કરાવી હતી.મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.ત્યારબાદ મહિલાની જરૂરી સારવાર કરી સ્મીમેર હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં બાળકી અને માતાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું.
108ની ટીમે રશ્મિકાબેનની સફળ ડિલિવરી કરતા તેમના પરિવારમાં ખુશી છવાઈ ગઇ હતી.મહિલાના પત આશિષભાઈએ જણાવ્યું હતું કે, મારી પત્નીની આ ત્રીજી ડિલિવરી છે અને અમારા ઘરે આ વખતે લક્ષ્મીનો અવતાર આવ્યો છે.મારે એક પાંચ વર્ષની દીકરી અને અઢી વર્ષનો દીકરો છે.હું 108ની ટીમનો આભાર માનું છું.

