– ચીનનાં ઝડપી પગલાંઓથી સ્ટૉક માર્કેટ અને યુઆન સુધરતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું
ચીને ફૉરેન ટ્રાવેલરો માટેના ક્વૉરન્ટીન નિયમો ૮મી જાન્યુઆરીથી રદ કરવાનો નિર્ણય લેતાં તેની અસરે સ્ટૉકમાર્કેટ અને યુઆનની તેજીને પગલે ડૉલર ઘટતાં સોનાએ ૧૮૦૦ ડૉલરની સપાટી કુદાવી હતી.મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૫૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૧૫ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કરવાનું ઝડપભેર ચાલુ કરતાં ચાઇનીઝ સ્ટૉકમાર્કેટ અને કરન્સી સુધરતાં ડૉલર પર દબાણ વધ્યું હતું.મંગળવારે અમેરિકન ડૉલર ૦.૩ ટકા ઘટતાં સોનાએ ફરી એક વખત ૧૮૦૦ ડૉલરની સપાટી કુદાવી હતી.સોનું મંગળવારે એક તબક્કે વધીને ૧૮૧૨.૫૦ ડૉલર સુધી વધ્યું હતું ત્યાર બાદ ૧૮૦૯થી ૧૮૧૦ ડૉલર વચ્ચે સ્થિર થયું હતું.સોનું વધતાં ચાંદી,પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનના સૌથી મોટા બિઝનેસ સિટી શાંઘાઈ અને બીજિંગમાં પબ્લિક નૉર્મલ લાઇફ જીવતો થયો છે અને આ બન્ને મેટ્રો શહેરોની પબ્લિક હવે ઘરની બહાર નીકળીને કામ પર જવા લાગી છે.ચાઇનીઝ ગવર્મેન્ટ ઑથોરિટીએ કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યા બાદ હવે આમ પબ્લિક પણ કોરોના સાથે જીવતા શીખી રહી છે.આ બન્ને શહેરોના રસ્તાઓ પર હવે નૉર્મલ ટ્રાફિક દેખાવા લાગ્યો છે અને કેટલાંક સ્થળોએ ટ્રાફિક જૅમ પણ દેખાવાના શરૂ થયા છે.છેલ્લા એક સપ્તાહથી ગવર્મેન્ટ ઑથોરિટીએ એક પણ મૃત્યુ થયાની જાહેરાત કરી નથી.ચીનના લોકલ ન્યુઝપેપર બિઝનેસ હેરાલ્ડે લીધેલાં કેટલાંક ઇન્ટરવ્યુમાં ખાસ કરીને યુવાનોએ કોરોના સાથે જીવવા માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી.વિશ્વની બીજા ક્રમની ઇકૉનૉમી ધરાવતા ચીનનો ગ્રોથ ઝડપથી ઘટવા લાગતાં ગવર્મેન્ટ ઑથોરિટીએ પણ હવે પગલાં લેવાનું ચાલુ કરતાં ચીન ઝડપથી નૉર્મલ કન્ડિશન તરફ પાછું ફરી રહ્યું છે.ચીને ૮ જાન્યુઆરીથી ટ્રાવેલર માટે ફરજિયાત ક્વૉરન્ટીન નિયમો રદ કરવાનો નિર્ણય લીધો છે.
ચીને કોરોનાનાં નિયંત્રણો ઝડપથી દૂર કરવાનાં ચાલુ કરતાં તેમ જ માર્કેટમાં નાણાં ઠાલવવાનાં ચાલુ કરતાં એની અસર ઝડપથી દેખાવા લાગી છે.મંગળવારે ચાઇનીઝ સ્ટૉકમાર્કેટમાં ૦.૯૮થી ૧.૧૬ ટકાની તેજી ફર્સ્ટ સેશનમાં જોવા મળી હતી.ખાસ કરીને હૅવીવેઇટ શૅરોના ભાવ વધ્યા હતા.ચાઇનીઝ યુઆન પણ ડૉલર સામે મજબૂત થઈને ૬.૯૫ના લેવલે પહોંચ્યો હતો.પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ મંગળવારે ૨૦૬ અબજ યુઆન રિવર્સ રેપોરેટ દ્વારા માર્કેટમાં ઠાલવ્યા હતા.છેલ્લા આઠ દિવસથી પીપલ્સ બૅન્ક દરરોજ માર્કેટમાં નાણાં ઠાલવી રહી છે.ગયા સપ્તાહે પીપલ્સ બૅન્કે ૭૦૪ અબજ માર્કેટમાં ઠાલવ્યા હતા જે ઑક્ટોબર પછીના સૌથી વધુ હતા.
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન ગયા વર્ષથી ૩.૬ ટકા ઘટીને ૭.૭ ટ્રિલ્યન યુઆન રહ્યો હતો જે જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન ગયા વર્ષથી ત્રણ ટકા ઘટ્યો હતો.કોરોનાનાં વધુપડતાં નિયંત્રણોની સીધી અસર ઇકૉનૉમિક ગ્રોથ પર પડી હતી.ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૨ના પ્રથમ ત્રણ ક્વૉર્ટરમાં ત્રણ ટકા રહ્યો હતો જે ૨૦૨૨ના આખા વર્ષ દરમ્યાન ત્રણ ટકાની આસપાસ રહેશે,જે છેલ્લાં ૫૦ વર્ષનો સૌથી નીચો ગ્રોથરેટ રહેશે.વર્લ્ડ બૅન્કે ૨૦૨૨ના ચીનનો ગ્રોથરેટ ૨.૭ ટકા રહેવાની આગાહી કરી હતી.
અમેરિકન ટેન યર ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૨૦૨૨ના અંતિમ દિવસોમાં વધીને ૩.૬ ટકાના લેવલે પહોંચ્યાં હતાં જે ઑક્ટોબર પછીનું હાઇએસ્ટ લેવલ હતું,પણ ૨૦૨૨ના વર્ષમાં બૉન્ડનાં યીલ્ડ ૧૬ ટકા ઘટ્યાં હતાં,જે ઘટાડો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હતો. ગયા ઑક્ટોબર મહિનામાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધીને ૪.૩ ટકા થયાં હતાં જે જૂન ૨૦૦૮ પછીનાં સૌથી ઊંચાં હતાં.જપાનના રીટેલ સેલ્સમાં નવેમ્બરમાં ૨.૬ ટકાનો વધારો થયો હતો જે સતત નવમા મહિને જોવા મળ્યો હતો,પણ માર્કેટની ૩.૭ ટકાના વધારાની ધારણા કરતાં રીટેલ સેલ્સમાં ઓછો વધારો થયો હતો અને સતત બીજે મહિને રીટેલ સેલ્સનો વધારો ધીમો પડ્યો હતો.મન્થ્લી બેઇસ પર રીટેલ સેલ્સ નવેમ્બરમાં ૧.૧ ટકા ઘટ્યું હતું જે ઑક્ટોબરમાં ૦.૩ ટકા વધ્યું હતું અને રીટેલ સેલ્સમાં મન્થ્લી ઘટાડો જૂન પછી પ્રથમ વખત જોવા મળ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
૨૦૨૨નું વર્ષ ખતમ થવાની નજીક પહોંચતાં ૨૦૨૩માં રિસેશન,ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફલેશનના શ્રેણીબદ્ધ અંદાજો મૂકવાના શરૂ થયા છે.મોટા ભાગના ઍનૅલિસ્ટો માની રહ્યા છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ ધારણા પ્રમાણે ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો નહીં કરી શકે, કારણ કે રિસેશનની અસર ૨૦૨૩ના આરંભથી જ વધતી જશે, ઉપરાંત ૨૦૨૧ના ડિસેમ્બરથી શરૂ થયેલી ઇન્ફલેશન સામેની લડાઈમાં એક પણ સેન્ટ્રલ બૅન્કને સફળતા મળી નથી.બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર-૨૦૨૧થી, ફેડરલ રિઝર્વે માર્ચ-૨૦૨૨થી અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈ-૨૦૨૨થી ઇન્ફલેશનને ઘટાડવા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરી હતી.તમામ સેન્ટ્રલ બૅન્કનો ઇન્ફલેશનને ટાર્ગેટ બે ટકા છે,જ્યારે હાલ તમામ દેશોનું ઇન્ફલેશન સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટથી સાડાત્રણથી પાંચ ગણું ઊચું છે.હજુ તમામ સેન્ટ્રલ બૅન્ક ૨૦૨૨થી બમણી ગતિથી ઇન્ટરેસ્ટ રેટ વધારે તો પણ ઇન્ફલેશન પર કાબૂ મેળવી શકાય એમ નથી,પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવાથી રિસેશનની તીવ્રતા ત્રણ કે ચાર ગણી વધી જશે.ચીને રીઓપનિંગ કરવાનું ચાલુ કર્યું ત્યારથી માંડીને આજ સુધીમાં ક્રૂડતેલ ૭૦ ડૉલરથી વધીને ૮૦ ડૉલરને પાર કરી ગયું છે.નૅચરલ ગૅસના ભાવ ઘટ્યા છે,પણ વેસ્ટર્ન કન્ટ્રીમાં ઠંડી અને બરફનું તોફાન જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં નૅચરલ ગૅસના ભાવ વધુ ઘટવાની શક્યતા નથી.આથી ઇન્ફલેશન પર કાબૂ મેળવી શકાય એવી કોઈ સ્થિતિ નથી. ૨૦૨૩ના આરંભિક મહિનામાં રિસેશનની મોટી અસર જોવા મળશે.આથી દરેક સેન્ટ્રલ બૅન્કને રોલબૅક કરવું પડશે,જેમાં ફેડ સૌથી અગ્રેસર હશે.આથી ડૉલરના મૂલ્યમાં ૨૦૨૩ના આરંભે મોટો ઘટાડો જોવા મળશે,જે સોનાની તેજીને આગળ વધારવામાં પેટ્રોલ-ડીઝલનું કામ કરશે.


