– આ રૅલી માટે કોઈ એક સંઘ કે એક સંગઠન દ્વારા આહવાન કરવામાં આવ્યું નહોતું : આમ છતાં ૧૦ દિવસના બાળકથી લઈને ૯૦ વર્ષના વૃદ્ધો શિસ્તબદ્ધ રોડ પર ઉતરી આવ્યા હતા
સુરતમાં ગઈ કાલે જૈનોનાં તીર્થોની રક્ષાર્થે હજારો જૈનો સડક પર ઊતરી આવ્યા હતા.તેમની માગણી એ છે કે અમારાં તીર્થોને અસામાજિક તત્ત્વોથી બચાવીને સુરિક્ષત કરવામાં આવે, તેમનાથી મુક્ત કરવામાં આવે.
આ બાબતની માહિતી આપતાં સુરત સમગ્ર જૈન સંઘના કાર્યકર ધરણેન્દ્ર સંઘવીએ કહ્યું હતું કે ‘આજની રૅલી રવિવારની રૅલીની જેમ જ સ્વયંભૂ હતી.આ રૅલી માટે કોઈ એક સંઘ કે એક સંગઠન દ્વારા આહવાન કરવામાં આવ્યું નહોતું.આમ છતાં ૧૦ દિવસના બાળકથી લઈને ૯૦ વર્ષના વૃદ્ધો શિસ્તબદ્ધ રોડ પર ઉતરી આવ્યા હતા.અમે એમ નથી કહેતા કે ગુજરાત સરકાર કામ કરતી નથી.ગુજરાત સરકાર હંમેશાં જૈનોના પડખે ઊભી છે,પરંતુ જે ગંભીરતાથી અમારા મુદ્દાઓ પર કાર્યવાહી કરવી જોઈએ એ પ્રશાસનના અધિકારીઓ કરતા ન હોવાથી અમારે નાછૂટકે રોડ પર ઊતરવું પડ્યું છે.જો સરકાર જ સમયસર કાર્યવાહી કરે તો શાંતિપ્રિય જૈનો જેઓ હંમેશાં કુદરતી આફતો સમયે સરકારની સાથે રહ્યા છે તેઓ સરકારના વિરોધમાં નારા લગાવવા રોડ પર ઊતરે જ નહીં.અમને અમારાં તીર્થો પર આસ્થા છે અને અમારાં તીર્થો અને ત્યાં આવતા યાિત્રકો સુરિક્ષત રહે એવી જ અમારી માગણી છે.’
અમે અમારા તીર્થને રિસૉર્ટ બનવા નહીં દઈએ એમ જણાવતાં એક મહિલા શ્રાવિકા રાગિણી શાહે કહ્યું હતું કે ‘અમે અમારા તીર્થમાં કોઈને ઘૂસણખોરી કરવા નહીં દઈએ. શિખરજી જૈનોનું તીર્થ છે અને જૈનો પાસે જ રહેશે.અમારા તીર્થને રિસૉર્ટ બનાવીને કોઈ પણ સંજોગોમાં અપવિત્ર થવા નહીં દઈએ.જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં આવેલાં જૈનોનાં તીર્થ પર અત્યારે અમુક અસામાજિક તત્ત્વોએ દારૂના અડ્ડા ખોલીને મૂકી દીધા છે જેના પર સરકાર કાર્યવાહી કરતાં અચકાઈ રહી છે જે એક દુખદ ઘટના છે.’