રાજકોટમાં 31 ડિસેમ્બર વીતી ગયા બાદ પણ રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેલ હોય તેમ વધુ બે ટ્રક ભરી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.સ્ટેટ મોનીટરીંગ સેલ અને એરપોર્ટ પોલીસે વિદેશી દારૂ ભરેલા એક-એક ટ્રક ઝડપી પાડ્યા છે.જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપેલી ટ્રકમાંથી 1008 પેટી જ્યારે એરપોર્ટ પોલીસે ઝડપી પાડેલ ટ્રકમાંથી પણ 600 પેટી કરતા વધુ દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જોકે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા સમયાંતરે પાડવામાં આવતા દરોડાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ શહેર પોલીસને ઊંઘતી ઝડપી ફરીથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂના મોટા જથ્થા સાથેનો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો.જેમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક GIDC માં પાર્ક કરેલ ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.આ ટ્રકની તલાશી લેતા તેમાંથી 1008 પેટી જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં આ ટ્રક રાજસ્થાનથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ દારૂ કોનો છે અને ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તે અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
બીજીતરફ એરપોર્ટ પોલીસે પણ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. જેમાંથી 600 પેટી કરતા પણ વધુ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી લઈને તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક રાજસ્થાનની દારૂ ભરીને લાવ્યો હોવાનું સામે આવ્યું છે.સ્ટેટ મોનીટરીંગ સેલ અને એરપોર્ટ પોલીસે ઝડપી પાડેલો દારૂ રાજસ્થાનથી જ આવ્યો હોવાનું સામે આવતા દારૂના બંને ટ્રક એક જ વ્યક્તિએ મંગાવ્યા હતા કે પછી અલગ અલગ લોકોએ મંગાવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.