– પોલીસે ઇકો કાર અને વિદેશી દારૂ મળી 7,73,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવિવારના રોજ કામરેજના કઠોદરા ગામેથી લિસ્ટેડ બુટલેગરના મકાન અને ઘર આંગણે પાર્ક કરેલી કાર માંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કોર્ડ શાખાના કર્મચારી પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી. એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ શનાભાઈ તથા આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે કઠોદરા ગામે મંદિર ફળીયા ખાતે રહેતો રાહુલ દિનેશભાઈ રાઠોડ તથા તેનો સાગરીત લાલુ ધનસુખભાઈ રાઠોડ રહે કઠોદરા મંદિરા ફળીયુ નાઓ ભેગા મળી લાલુના રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે.અને ત્યાથી અલગ અલગ વાહનોમાં ભરી સંગેવગે કરવાની પેરવીમાં છે.તેવી ચોક્કસ બાતમી આધારે તે જગ્યાએ પોલીસની એક ટીમે રેડ કરતા બાતમી વાળા મકાન માથી તથા મકાનની બાજુમાં પાર્ક કરેલ ઈકો કાર રજી નં. GJ-22-H-9244 માથી અલગ અલગ બ્રાન્ડનો 1680 નંગ ભારતીય બનાવટના વિદેશીદારૂની નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી આવ્યા હતા.પોલીસે 3,73,200/- ની કિંમતનો વિદેશી દારૂ તેમજ ઇકો કાર મળી 7,73,200/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ રેડ દરમિયાન હાજર નહી મળી આવેલ રાહુલભાઈ દિનેશભાઈ રાઠોડ (રહે.કઠોદરા મંદિર ફળીયુ તા.કામરેજ જી.સુરત) તથા લાલુ ધનસુખભાઈ રાઠોડ (રહે. કઠોદરા મંદિર ફળીયુ તા.કામરેજ જી.સુરત) વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુધ્ધમા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.