સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : સુરતમાં પોલીસે વેસુ વિસ્તારમાં પાનના ગલ્લામાં દરોડો પાડી ઈ સિગારેટ તથા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી 19,175નો મુદામાલ કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી તેમજ આ ઘટનામાં દુકાનદારને ઈસિગારેટનો જત્થો આપનાર ઈસમને પણ પોલીસે 60 હજારની ઈ સિગારેટ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.જેમાં નશાનો કારોબાર કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ દરમિયાન સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે શહેરના કેટલાક પાનના ગલ્લા તથા કેટલાક ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્બારા ઈ-સિગારેટ ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેથી આવા રીટેઈલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
આ દરમ્યાન એસઓજી પોલીસે બાતમીના આધારે 7 જાન્યુઆરીના રોજ વેસુ વિસ્તારમાં આવેલા વિજય પાનની દુકાનમાં દરોડો પાડી તપાસ કરતા દુકાનમાંથી 18 નંગ ઈ સિગારેટ તથા નશો કરવા ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાંથી કુલ 19,175નો મુદામાલ કબજે કરી દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસીયાની ધરપકડ કરી હતી.તેમજ દુકાનદારને આ જત્થો રાંદેર ખાતે રહેતા તૈયબ નામના ઇસમેં આપ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ દરમિયાન એસઓજી પોલીસે માહિતીના આધારે રાંદેર જિલ્લાની બ્રીજ પાસે આવેલી લકી પાનમાં રેઇડ કરી તૈયબ ઇકબાલ ભાયજીને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની દુકાનમાંથી પણ 60,600 રૂપિયાની 59 નંગ ઈ સિગારેટનો જત્થો કબજે કર્યો હતો. આરોપી સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

