વડોદરા,તા.9 જાન્યુઆરી 2023,સોમવાર : વડોદરા શહેરના ડભોઇ રિંગ રોડ ખાતે આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા અને શેરબજારના કામકાજ સાથે સંકળાયેલા મિસ્ત્રી પરિવારે સાત વર્ષના માસુમ પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ઘટનાની જાણ પોલીસને થતા પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નંબર 102માં રહેતા 30 વર્ષીય પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મીસ્ત્રી શેરબજારના કામકાજ સાથે સંકળાયેલા હતા.તેઓ પત્ની સ્નેહા મિસ્ત્રી અને સાત વર્ષના પુત્ર હર્ષિલ મિસ્ત્રી સાથે રહેતા હતા.આજે સવારે પ્રિતેશના માતા તેમના ઘરે આવ્યા હતા અને ઘરમાં જોતા પુત્રને લટકેલી હાલતમાં જોતા આક્રંદ કરવા લાગ્યા હતા.પ્રિતે ની માતાના આક્રંદના પગલે આસપાસ રહેતા લોકો ભેગા થઇ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
મૃતક પ્રિતેશ મિસ્ત્રીએ સામુહિક આપઘાત કરતા પહેલા ઘરની દિવાલ પર એક સુસાઇડ નોટ લખી હતી.જેમાં પ્રિતેશ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે માં મને માફ કરજે.પોલીસ કમિશનર સરને અમારી વિનંતી છે કે હમારા પરિવારને કોઈ હેરાનગતિ ના થાય અને આ પગલું હમે અમારી મરજીથી ભર્યું છે.દરેક ફાઇન્સલ ટ્રાન્જેકશન મેં કર્યા છે.જેથી કોઈ પણ વ્યક્તિ કે બેંક મારા પરિવારને હેરાન કરે તો પોલીસ તેમની સામે પગલાં લે.મને માફ કરજે માં..આ પગલું હમે અમારી મરજીથી ભર્યું છે અને અમારી સુસાઇડ નોટ મારા મોબાઈલમાં છે.
મૃતક પ્રિતેશ મિસ્ત્રીના મિત્ર કેતન ચુનારાએ જાણવ્યું હતું કે, ગત રોજ સાંજે પ્રિતેશ મિસ્ત્રીએ તેમની માતા શીલા બેન મિસ્ત્રીને મોબાઇલ ફોન પર મેસેજ કરીને જાણાવ્યું હતું કે, મમ્મી આપ આવતી કાલે સવારે દસ વાગે ઘરે આવી જજો. આપડે જમવા માટે જવાનું છે,જયારે પ્રિતેશ મિસ્ત્રી ના માતા તેમના ઘરે સવારે 10 વાગે પહોચ્યા અને પ્રિતેશ અને તેના પત્નીને ફોન કરતા ફોનનો કોઈ જવાબ મળ્યો ન હતો.તેઓ પાછળના દરવાજે ગયા હતા અને ત્યાંથી તેમને પુત્ર પ્રિતેશની ફાંસી ખાધેલી હાલતમાં લટકેલો મૃતઃદેહ દેખાયો હતો.જોકે મૃતક પ્રિતેશના મિત્રએ વધુમાં જણાવ્યુ હતું કે પ્રિતેશની આર્થિક રીતે સધ્ધર હતો.થોડા સમય પહેલા તેને નવી કાર પણ ખરીદી હતી અને નાણાંકીય વ્યવહારમાંએ ઘણા સારા હતા અને પૈસેટકે એમને કોઈ સમસ્યા ન હતી.
પ્રાથમિક માહિતી અનુસાર શેરબજારનું કામ કરતા પ્રિતેશભાઇ મિસ્ત્રીનું દેવું ખૂબ જ વધી ગયું હતું અને બેન્કોમાંથી લોનો પણ લીધી હતી.દેવું વધી જતા પ્રિતેશ મિસ્ત્રીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે,જોકે હાલ સામુહિક આપઘાતનો ભેદ ઉકેલાયો નથી.સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.