– સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 6 સાંસદોનો બરાબરનો ક્લાસ લેવાયો
– ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિની 600થી વધુ ફરિયાદો મળી
અમદાવાદ, 9 જાન્યુઆરી 2023 સોમવાર : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી છે.ભાજપની નવી રચાયેલી સરકારે કામગીરી પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ ભાજપે હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓને લઈને ભાજપ એક્શનમાં આવી ગયો છે.પક્ષ દ્વારા રચાયેલ શિસ્ત સમિતીને આ મામલો સોંપી દેવામાં આવ્યો છે.ચૂંટણી સમયે ભાજપના 6 સાંસદોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હેવાથી હાઈકમાન્ડ દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં જ તેમનો રીતસરનો ઉઘડો લેવામાં આવ્યો છે.
ભાજપ હાઈકમાન્ડે 6 સાંસદોને બરાબર ખખડાવ્યા
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સાંસદોમાં સૌરાષ્ટ્રના 2, ઉત્તર ગુજરાતના 2 અને મધ્ય ગુજરાતના પણ 2 સાંસદોને જબરદસ્ત ખખડાવવામાં આવ્યાં છે.જેમાં 2 સાંસદો તો કેન્દ્રમાં પણ મોટો હોદ્દો ધરાવે છે.ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપ હવે આકરા પાણીએ છે.ગુજરાતમાંથી પક્ષ વિરોધી કામગીરી કરવાની ભાજપને 600 ફરિયાદો મળી છે.આ માટે બનાવેલી એક કમિટી ફરિયાદો સંદર્ભે તપાસ કરી કાર્યવાહીનો રિપોર્ટ ભાજપ હાઈકમાન્ડને મોકલશે.હવે આગામી દિવસોમાં ભાજપમાં મોટી ઉથલ પાથલ થાય તો નવાઈ નહીં.
આ સાંસદોને ભાજપ કાર્યાલય પર બેસાડી રખાયા
સુત્રોનું કહેવું છે કે, સંસદના શિયાળુ સત્ર બાદ પાટણના ભરતસિંહ ડાભી,પંચમહાલના રતનસિંહ રાઠોડ,સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા,ખેડાના દેવુસિંહ ચૌહાણ અને રાજ્યસભાના રમીલાબહેન બારા એમ પાંચ સાંસદોને હાઈકમાન્ડે દિલ્હીના ભાજપ કાર્યાલય પર બોલાવ્યા હતાં.પરંતુ તેમને કલાકો સુધી રાહ જોવડાવીને પાછા જવા કહેવામાં આવ્યું હતું.ત્યાર બાદ ફરીવાર તેમને મળવા માટે સમય આપવામાં આવ્યો હતો અને છેલ્લી ઘડીએ તેમને ના પાડી દેવામાં આવી હતી.
આંતરિક વિરોધીઓનો મામલો ભાજપે શિસ્ત સમિતિને સોંપ્યો
રાજ્યની કેટલીક બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઇ હોવાનો સ્વીકાર કરી જિલ્લાઓના ભાજપના પ્રમુખોએ આ મામલે પ્રદેશને રિપોર્ટ સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે.આંતરિક વિરોધીઓનો મામલો ભાજપે શિસ્ત સમિતિને સોંપ્યો છે.આ મામલે ફરિયાદ અને તથ્યોની તપાસના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવશે.ચૂંટણીના મતદાન બાદ પાર્ટી દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કેટલાક આગેવાનો-કાર્યકરોને હોદ્દા પરથી દૂર કર્યા હતાં.
ચાર ઝોનમાં નાયબ દંડકોને જવાબદારી સોંપાઈ
ભાજપે ચૂંટણી બાદ તરત જ સંગઠનમાં એકાએક ફેરફાર શરૂ કરી દીધાં છે.તાજેતરમાં જ પક્ષ દ્વારા ચાર નાયબ દંડકને ઝોન પ્રમાણે જવાબદારી સોંપાઈ છે.જેમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયાને સૌરાષ્ટ્ર ઝોન,વિજયભાઈ પટેલને દક્ષિણ ઝોન,રમણભાઈ સોલંકીને મધ્ય ઝોન અને જગદીશ મકવાણાને ઉતર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.તમામ ધારાસભ્યોને સાંભળવા અને તેમના પ્રશ્નોનું સરકાર સમક્ષ વાત કરવી તથા ધારાસભ્યોને કોઈ મુશ્કેલી ન પડે એ માટેની વિચારણા હવે ભાજપ દ્વારા કરવામાં આવી છે.


