
ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા આજે ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA) ફાઈનલ અને ઈન્ટર મીડિયેટ નવેમ્બર-2022ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યાં છે. CA ફાઈનલના પરિણામોમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય ઑલ ઈન્ડિયા રેન્કિંગમાં ચોથા ક્રમે છે.
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ICAIની સત્તાવાર વેબસાઈટ icaiexam.icai.org પર પોતાનું પરિણામ જોઈ શકે છે.આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર નાંખીને લોગ ઈન કર્યા બાદ CA ફાઈનલ,ઈન્ટર મીડિયેટ એક્ઝામનું પરિણામ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે. CA ફાઈનલના પરિણામમાં હર્ષ ચૌધરીએ ઑલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે.જેણે ફાઈનલ પરિણામમાં 700માંથી 618 અંક હાંસલ કર્યા છે.
જો અમદાવાદની વાત કરવામાં આવે તો,શહેરના 877 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,જે પૈકી 135 ઉતીર્ણ થતાં પરિણામ 15.39 ટકા આવ્યું છે.આ સાથે જ ટોપ 50માં શહેરના 5 વિદ્યાર્થીઓ છે.જે પૈકી વેદાંત ક્ષત્રિય ચોથા ક્રમ સિવાય યશ જૈન 8માં ક્રમે છે.આ ઉપરાંત યશ વશિષ્ઠ,અર્પિતા શર્મા અને ભાવિકા શરદા અનુક્રમે 15, 17 અને 49માં ક્રમાંકે છે.
અમદાવાદના ટૉપર્સ વેદાંત ક્ષત્રિયએ જણાવ્યું કે, 12માં ધોરણમાં સારુ પરિણામ આવતા જ મેં ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું જોયું હતુ.આ પરીક્ષા પાસ કરવા માટે 8-9 કલાક મહેનત કરતો હતો.જ્યારે 8માં ક્રમે આવેલ યશ જૈને કહ્યું કે, મારા પિતા સામાન્ય નોકરી કરે છે.તેમનું સપનું હતું કે, હું ચાર્ટડ એકાઉન્ટન્ટ બનું.હવે પિતાનું સપનું પૂર્ણ કર્યા બાદ કોઈ સારી કંપનીમાં જૉબ કરવાની મારી ઈચ્છા છે.
જણાવી દઈએ કે, આ વર્ષે CA ફાઈનલ અને ઈન્ટરમીડિયેટની પરીક્ષાઓ ઑફલાઈન લેવાઈ હતી.ગ્રુપ-A માટે CA ફાઈનલ 1 થી 7 નવેમ્બર, 2022ની વચ્ચે,જ્યારે ગ્રુપ-Bની પરીક્ષાઓ 10 થી 16 નવેમ્બર, 2022ની વચ્ચે લેવામાં આવી હતી.આવી જ રીતે ગ્રુપ-A માટે ઈન્ટરમીડિયેટની પરીક્ષા 2 થી 9 નવેમ્બર તેમજ ગ્રુપ-B માટે 11 થી 17 નવેમ્બર વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી.
CA ફાઈનલના ગ્રુપ-Aમાં કુલ 65,291 વિદ્યાર્થીઓ પૈકી 13,969ને ઉતીર્ણ જાહેર કરવામાં આવ્યા છે.જ્યારે ગ્રુપ-Bમાં 64,775 વિદ્યાર્થીઓ પૈકી 12,053ને પાસ જાહેર કરવામાં આવ્યાં છે.આમ બન્ને ગ્રુપનું પરિણામ 11.09 ટકા જાહેર થયું છે.