– રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવાશે
– તા. 11 થી 17 જાન્યુઆરી-2023 દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાશે
રાજ્યમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતતા આવે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 11 થી 17 જાન્યુઆરી-2023 દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.જે સંદર્ભે રાજ્ય માર્ગ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડી માર્ગ સલામતી વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક લોકો જીવ ગુમાવે છે.જેનાથી તેમના પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેના પરિણામે આર્થિક અને સામાજિક નૂકસાન પણ થતું હોય છે.જેથી નાગરિકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવો ખૂબ જ આવશ્યક છે.આ હેતુથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરાશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમિતિઓ દ્વારા આર.ટી.ઓ.,પોલીસ,આરોગ્ય,માર્ગ અને મકાન,નેશનલ હાઇવે ઓથોરીટી તથા શિક્ષણ વિભાગની કચેરીઓ સાથે સંકલનમાં રહીને શેરી નાટકો,સેમીનાર,વર્કશોપ,તાલીમ કાર્યક્રમો,માર્ગ સલામતી મેળાઓ તેમજ ટ્રાફિક નિયમોની જાણકારી અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરાશે.