રાજૌરીમાં 6 હિન્દુઓની હત્યા પર અમિત શાહ એક્શન મોડમાં, NIA કરશે હુમલાની તપાસ

198

નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર : નવા વર્ષની શરૂઆતમાં જ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે.જમ્મુ મળેલી હાઈ લેવલની મીટિંગ પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અંગે જાહેરાત કરી.તેમણે કહ્યું ભારત સરકારે બે દિવસ દરમિયાન થયેલી બંને ઘટનાઓની તપાસ NIAને સોંપી છે. NIA અને જમ્મુ પોલીસ મળીને તેની તપાસ કરશે.આ પહેલાં જ્યાં ઘટના ઘટી તે ગામના સરપંચ ધીરજ શર્માના નેતૃત્વમાં ગ્રામીણોએ મામલાની તપાસ NIAને સોંપવાની માગ કરી હતી.

આતંકીઓએ હિન્દુઓને બનાવ્યા હતા ટાર્ગેટ

1 જાન્યુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં 6 લોકોના મોત નિપજ્યા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા.હુમલામાં ઘાયલ થયેલી એક વ્યક્તિનું મોત બાદમાં હોસ્પિટલમાં થયું હતું. એક જ જગ્યાએ બે અલગ અલગ ઘટનાઓમાં આતંકીઓએ હિન્દુઓને ટાર્ગેટ કર્યા હતા. 1 જાન્યુઆરીએ રાજૌરીના ધંગરી ગામમાં આતંકવાદીઓના હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને ઘણાં ઘાયલ થયા હતા.આતંકવાદીઓએ હિન્દુ સમુદાયના સભ્યોને ઘરો પર ફાયરિંગ કર્યું હતું,જેમાં ચાર લોકોના મોત થયા હતા.જ્યારે બીજા દિવસે તે જ ગામમાં એક IED વિસ્ફોટમાં બે પિતરાઈ બહેનના મોત નિપજ્યા હતા.મૃતકમાંથી એકના ઘરમાં આતંકીઓએ IED બોમ્બ લગાવ્યો હતો.ઘાયલ થયેલાઓમાંથી એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો,એટલે મૃતકની સંખ્યા 7 થઈ ગઈ છે.

12 દિવસ પછી કાશ્મીર પહોંચ્યા શાહ

હુમલાના 12 દિવસ પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુ ક્ષેત્રની એક દિવસીય મુલાકાત અંતર્ગત પહોંચ્યા હતા.જ્યાં તેમણે જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી.અમિત શાહની આ મુલાકાત ધાંગરી ગામમાં થયેલી બે આતંકવાદી હુમલામાં સાત હિન્દુઓના નિધન અને 14 લોકોના ઘાયલ બાદ થઈ છે.ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને પ્રશાસન તથા સિક્યોરિટી ફોર્સના અધિકારીઓએ એરપોર્ટ પર શાહની આગેવાની કરી.

અમિત શાહના મૃતકોના પરિવારના લોકો સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી આતંકવાદી હુમલાના પીડિત પરિવારને મળવા જવાના હતા.પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે તેમની રાજૌરી મુલાકાત રદ થઈ હતી.જો કે તેમણે પીડિત પરિવાર સાથે ફોન પર વાત કરી અને તેમની વાતોને ધ્યાનથી સાંભળી.તેમણે કહ્યું કે મૃતકોના પરિવાર સાથે મેં ફોન પર વાત કરી.હું તેમની મુલાકાત માટે ત્યાં જાતે જવાનો હતો પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે અમે ત્યાં ન જઈ શક્યા.તેમની સાથે વાત કરી તેમની વાત સાંભળી છે અને મેં રાજ્યપાલ મનોજ સાથે વાત કરી છે.તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરની સુરક્ષામાં લાગેલી તમામ પ્રકારની એજન્સીઓ સાથે તમામ મુદ્દે વિસ્તૃતથી ચર્ચા થઈ.આગામી દિવસોમાં એક ઘણી જ સુરક્ષિત ગ્રીડ બનાવવાની તૈયારી કરવામાં આવશે. BSF,CRPF,સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ સહિત તમામ લોકો એલર્ટ છે.સાથે જ જણાવ્યું કે સંપૂર્ણ 360 ડિગ્રી સુરક્ષા ચક્રને લઈને પણ ચર્ચા થઈ છે.

આગામી યાત્રામાં પીડિત પરિવારોને મળશે અમિત શાહ

પીડિત પરિવારના એક સભ્યએ સમાચાર એજન્સીને જણાવ્યું કે આપણાં કેન્દ્રીય ગૃહ મંત્રીની સાથે ફોન પર વાત થઈ.તેમણે પોતાની આગામી યાત્રા દરમિયાન અમને લોકોને મળવાનું આશ્વાસન આપ્યું છે.પીડિત પરિવારોમાં સામેલ સરોજબાળા નામની મહિલાએ જણાવ્યું કે મેં મારા બંને પુત્રોને આ હુમલામાં ગુમાવ્યા છે અને મેં અમિત શાહને આગ્રહ કર્યો છે કે તેઓ અમને ન્યાય અપાવે અને હત્યારાઓને કડકભાષામાં જવાબ આપે.

ધંગરી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સાત થઈ

જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરના ધંગરી ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલી એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.આ સાથે જ આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.અધિકારીઓએ આ જાણકારી આપી.તેમણે જણાવ્યું કે પ્રિન્સ શર્મા આતંકવાદીઓ દ્વારા 1 જાન્યુઆરીએ ધંગરી ગામમાં થયેલા ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમને સારી સારવાર માટે અન્ય ઘાયલોની સાથે જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તેમનું મોત નિપજ્યું.

ધંગરીમાં થયેલા આતંકવાદી હુમલામાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા,જેમાં પ્રિન્સ શર્માના મોટા ભાઈ દીપક કુમાર પણ સામેલ હતા.આતંકવાદીઓએ 1લી જાન્યુઆરીએ કરેલા ફાયરિંગમાં 4 લોકો માર્યા ગયા હતા જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.તો બીજા દિવસે સવારે ગામમાં એક શક્તિશાળી IED વિસ્ફોટમાં બે લોકોના મોત નિપજ્યા હતા,જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા.આતંકવાદીઓએ ગોળીબારી બાદ ધંગરીમાં ભાગતા પહેલાં ત્યાં IED લગાવ્યા હતા.હુમલામાં સામેલ આતંકવાદીઓેને પકડવા માટે મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Share Now