વલસાડ, 16 જાન્યુઆરી 2023 સોમવાર : અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર પ્રખ્યાત ફિલ્મ ‘શૉલે’માં પાણીની ટાંકી વાળો સીન યાદ જ હશે.જેમાં નશામાં ધૂત ધર્મેન્દ્ર પાણીની ટાંકી પર ચડીને મૌસીજીને મનાવવા માટે આખું ગામ ભેગુ કરે છે.આવું જ કંઈક આજે વલસાડમાં જોવા મળ્યું હતુ. જેમાં વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડના ઝરણા પાર્ક વિસ્તારમાં એક યુવક બિલ્ડિંગના બીજા માળના સ્લેબ પર ઉતરી જતાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં હેડ ક્વાર્ટર રોડ પર આવેલા સાઈકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા યુવકને નશો કરવા બાબતે પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો હતો.આથી તે પોતાના ઘરના બાથરુમની બારીના કાચ ખલીને બહારની સાઈડ પર આવેલા છજ્જા પર ઉતરી ગયો હતો.બારીના છજ્જા પર ઉતરેલા યુવકને લવારી કરતો જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને નીચે ઉતરવા માટે બૂમો પાડી હતી.જો કે યુવક નશાની હાલતમાં હોવાથી કોઈનું સાંભળતો નહતો.આખરે વલસાડ પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
આ બાબતની જાણ થતાં વલસાડ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગની ટીમે ટેરેસ પરથી દોરડું નાંખીને યુવકને બાંધી દીધો હતો.જે બાદ સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારી પોલીસને હવાલે કર્યો હતો.