– કોવિડ જમ્બો સેન્ટરની તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી
– કોવિડની ઈમરજન્સીને ધ્યાને લઈ નિર્ણયો કર્યા હતાઃ કોન્ટ્રાક્ટરોના નકલી દસ્તાવેજો અંગે તપાસ યોજી હતી
મુંબઈ,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની નોટિસના પગલે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ આજે પૂછપરછ માટે હાજર થયા હતા.ઈડીએ અંદાજે ચાર કલાક સુધી તેમનું નિવેદન નોંધ્યું હતું.કોરોના સમયગાળા દરમિયાન કોવિડ સેન્ટરમાં કૌભાંડનો તેમના પર આરોપ છે.બીજી તરફ મહારાષ્ટ્ર સરકારના આદેશ પર જમ્બો કોવિડ-૧૯ કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી,એમ ચહલે જણાવ્યું હતું.
બીએમસી તપાસમાં કેન્દ્રીય એજન્સીને તમામ સહકાર આપી રહી છે,એમ ચહલે ઈડીની ઓફિસમાંથી બહાર આવ્યા પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું.દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી ઈડીની ઓફિસમાં ચહલ સવારે ૧૧.૪૦ વાગ્યે હાજર થયા હતા.પછી સાંજે ૪.૦૦ વાગ્યે ઓફિસમાંથી બહાર આવ્યા હતા.કોવિડ-૧૯ સેન્ટર કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાના મામલામાં ઈડીએ અગાઉ ચહલને નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું.પાલિકા કમિશનર ચહલે પત્રકારોને જણાવ્યું હતું કે ‘મુંબઈમાં કોવિડ-૧૯નો સામનો કરવા માટે ઝડપી તૈયારીઓ કરવામાં આવી ન હોત તો પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ હોત.માર્ચ-૨૦૨૦માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.બીએમસીએ રાજ્ય સરકારની સુચનાઓ મુજબ જમ્બો કોવિડ-૧૯ કેન્દ્રો શરૃ કર્યા હતા.કેટલીક જગ્યાઓ હસ્તગત કરીને ફિલ્ડ હોસ્પિટલો બનાવવામાં આવી હતી.
કોવિડ-૧૯ ફિલ્ડ હોસ્પિટલોની જરૃરિયાતોને પહોંચી વળવા માટે જરૃરી સ્ટાફને આઉટસોર્સ કર્યો હતો.આને કારણે સમયસર સારવાર મળતા લાખો લોકોના જીવ બચી ગયા હતા.આ સુવિધા પૂરી પાડનારા કેટલાકે કોન્ટ્રાક્ટ મેળવવા નકલી દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું માલૂમ પડતા બીએમસીએ પોલીસને પત્ર લખીને આ બાબતની તપાસ કરવા કહ્યું હતું.મે ઈડીને જાણ કરી છે કે અમે બીએમસી તરફતી તમામ સહકાર આપીશું.જો ફરીથી તપાસ માટે બોલાવવામા આવશે તો ઈડી સમક્ષ હાજર થઈશ,એમ આઇએએસ ઓફિસર ચહલે વધુમાં કહ્યું હતું.
અગાઉ આ કૌભાંડના પ્રકરણમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેના આધારે હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની અને અમુક વ્યક્તિઓ સામે કોવિડ-૧૯ કેર સેન્ટરનો કોન્ટ્રાક્ટ મેળવવા નકલી દસ્તાવેજો સબમિટ કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી હતી.