કરાંચી એરપોર્ટ પર દાઉદનો કન્ટ્રોલ સંબંધીઓના પાસપોર્ટ પર સ્ટેમ્પિંગ નહીં

104

– સલીમ ફ્રૂટવાલાની પત્ની સાઝિયાએ એનઆઈએ સમક્ષ કબૂલ્યું
– વીવીઆઈપી ટ્રીટમેન્ટ,કોઈ ઈમીગ્રેશન નહીં સલીમ કુરેશીનો પરિવાર છોટા શકીલના પારિવારિક પ્રસંગમાં 3 વખત પાકિસ્તાન જઈ આવ્યો

મુંબઈ,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેન્ગના સભ્ય સલીમ કુરેશીનો પરિવાર છોટા શકીલના પારિવારિક સમારંભમાં હાજરી આપવા ૨૦૧૩થી ત્રણ વખત સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) થઈને પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો,એમ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આરોપનામામાં જણાવ્યું છે.

એનઆઈએે સલીમની પત્ની સાઝિયાનું નિવેદન ટેરર ફંડિંગ કેસમાં નોંધ્યું હતું.સાઝિયાએ નિવેદનમાં દાવો કર્યો છે કે તેમને પાકિસ્તાનના કરાંચી એરપોર્ટમાં આવવા અને જવાની છૂટ હતી અને તેમના આવવા જવા પર પાસપોર્ટ પર કોઈ સ્ટેમ્પ પણ અપાતો નહોતો.એનઆઈએનું આરોપનામું એવું સૂચવે છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ગેન્ગસ્ટર અને ગ્લોબલ ટેરર ફાઈનાન્સર દાઉદ ઈબ્રાહિમ અને તેના મુખ્ય સાગરિતો પાકિસ્તાનના કરાંચી એરપોર્ટ પર નિયંત્રણ ધરાવે છે.

ડી કંપની ટોળકી અને ટેરર ફંડિંગ પ્રકરણે પૂછપરછમાં એનઆઈએને જાણકારી મળી છે કે કરાંચી એરપોર્ટ ડી કંપનીના કન્ટ્રોલમાં છે કેમ કે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ તેમ જ તેમના પરિવારના સભ્યો જ્યારે વિવિધ કારણોસર પાકિસ્તાન આવે છે ત્યારે કરાંચી એરપોર્ટ ઓથોરિટી તેમના પાસપોર્ટ પર કોઈ સ્ટેમ્પ મારતી નથી.તેમને કરાંચી એરપોર્ટમાંના વીઆઈપી લાઉન્જમાંથી રિસીવ કરવામાં આવે છે અને સીધા દાઉદ અથવા છોટા શકીલના ઘરે લઈ જવામાં આવે છે.

કરાંચી એરપોર્ટ પર ડી કંપનીનો દબદબો કેટલો છે એ આ વાત પરથી જાણી શકાય છે કે જે લોકો તેમને મળવા આવીને પાછા જાય ત્યારે તેમને સીધા દુબઈ કે અખાતના દેશોમાં કોઈ ઈમિગ્રેશન ક્લિયરન્સવિના સીધા મોકલી દેવામાં આવે છે.આ રીતે દાઉદ કે છોટા શકીલનને મળવા પાકિસ્તાન આવનારા કોઈની પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નોધ થતી નથી,એમ એનઆઈએની તપાસમાં જણાયું છે.

સાઝિયાએ વધુમાં જણાવ્યું હતું કે છોટા શકીલની પત્ની નજમા તેની બહેન છે અને શકીલ તેનો બનેવી છે.પોતે પોતાના બે પુત્ર ઝૈદ (૨૨) અને સલીક (૧૩) અને પુત્રી ફરઝા (૧૯) સાથે પાકિસ્તાનમાં ૨૦૧૩માં એક વાર અને ૨૦૧૪માં બે વાર ગેરકાયદે પ્રવાસ કર્યો છે.છોટા શકીલની પુત્રીઓ ઝોયા અને અનમની સગાઈ અને લગ્નસ મારંભમાં હાજરી આપવા આવ્યા હતા.સલીમે ત્રણમાંથી એક જ કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યારે શકીલ ત્રણેમાં હાજર હતો. તેઓ છોટા શકીલના કરાંચી ખાતેના ઘરમાં રોકાયા હતા અને ત્યાંથી યુએઈ થઈને ભારત આવી ગયા હતા.

Share Now