– એનઆઈએ દ્વારા આ અભિનેતાની પૂછપરછ કરવામાં આવી
– મુંબઈમાં દાઉદનો કારોબાર ચલાવતા સલીમ ફ્રૂટને શ્રેષ્ઠ નાગરિકનો એવોર્ડ મળ્યો ત્યારે તેનું આભાર પ્રવચન લખી આપ્યું હતું
મુંબઈ,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : મુંબઈ ટેરર ફંડિંગ સંબંધિત જે કેસમાં દાઉદના બીજા લગ્ન અને પાકિસ્તાની પત્નીનું રહસ્ય ખુલ્યું હતું,તે જ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે દાઉદના ખાસ માણસ સલીમ ફ્રુટને મુંબઈમાં શ્રેષ્ઠ નાગરિકનો એવોર્ડ મળ્યો હતો અને તે એવોર્ડ સમારંભમાં સલીમે બોલેલું ભાષણ બોલીવૂડના એક અભિનેતાએ લખ્યું હતું.અભિનેતાએ પોતાના ફસાયેલા પૈસા વસુલવા ડોનની મદદ લીધી અને હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ટીવી સિરિયલ ઉપરાંત આ અભિનેતાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.એનઆઈએએ આ અભિનેતાનું નિવેદન લીધું છે.એનઆઈએનો દાવો છે કે હસીના પારકરના મોત બાદ મુંબઈમાં દાઉદનો સમગ્ર બિઝનેસ સલીમ ફ્રૂટ જ સંભાળતો હતો.અભિનેતાના કહેવા મુજબ તે સલીમ ફ્રુટને ૨૦૧૮થી ઓળખે છે.તેમનો પરિચય એક બિલ્ડરે કરાવ્યો હતો.પાંચ વર્ષ અગાઉ સલીમ ફ્રુટની જેજે હોસ્પિટલ પાસે આવેલી એક મેડિકલ સ્ટોરનું ઉદ્ધાટન થવાનું હતું.બિલ્ડર અભિનેતાને તે દુકાને લઈ ગયો હતો.
કેટલાક મહિના પછી સલીમ ફ્રુટે મસીના હોસ્પિટલ પાસે વધુ એક મેડિકલ સ્ટોર ખોલી હતી.ત્યાં પણ આ અભિનેતા બિલ્ડર સાથે ગયો હતો.આ મેળાપ પછી તેની દાઉદના ખાસ સાગરીત સલીમ ફ્રુટ સાથે દોસ્તી વધી હતી.
આ મુલાકાતો પછી અભિનેતાએ સલીમ ફ્રુટ સાથે મિત્રતા વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.અભિનેતાના એક ઠેકાણે રૃા.૩૬ લાખ ફસાઈ ગયા હતા અને તે માનતો હતો કે સલીમ ફ્રુટ તેને પૈસા વસુલવામાં મદદ કરશે.અભિનેતા ફરી બિલ્ડર સાથે સલીમ ફ્રુટને મળ્યો.ત્યારે સલીમે માહિતી આપી કે તેનું નામ બેસ્ટ સિટિઝન એવોર્ડ માટે પસંદ કરાયું છે અને આ સમારંભ કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં યોજાશે.સલીમે સમારંભમાં પોતાની સ્પીચ અભિનેતા ડ્રાફ્ટ કરી આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી.આ મુલાકાતમાં અભિનેતાએ સલીમને પોતાના પૈસા ફસાયા હોવાની વાત કરી.સલીમે તેને પૈસા પાછા અપાવવાનું વચન તો આપ્યું પણ અભિનેતાને પૈસા ક્યારે પણ પાછા મળ્યા ન હતા.