– કોલેજે 1 જાન્યુઆરીથી નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે
– વિદ્યાર્થીનીઓ ક્લાસ સુધી બુરખો પહેરવાની મંજૂરી માગી રહી છે
મુરાદાબાદ : તા. 19 જાન્યુઆરી, ગુરુવાર : ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં આવેલી હિન્દુ કોલેજના એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવ્યો છે.તેમ છતાં બુરખો પહેરીને આવેલી કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજના ગેટ પર જ અટકાવી દેવામાં આવી હતી.વિદ્યાર્થીનીઓએ આરોપ મૂક્યો હતો કે અમને બુરખો પહેરીને પ્રવેશ ન અપાતા અમારે ગેટ પર જ બુરખો ઉતારવાની ફરજ પડી હતી.
સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સભાના નેતા આવી પહોંચતા વિવાદ
હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે ક્લાસ સુધી બુરખો પહેરીને આવવા દેવાની માગણી કરી રહ્યા છે.આ મામલો બુધવારે બપોરે બન્યો હતો.અમુક છોકરીઓ હિન્દુ કોલેજના ગેટ પર બુરખો પહેરીને આવી હતી પણ તેમને ત્યાં જ રોકી રખાતા સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સભાના નેતા ત્યાં આવી પહોંચ્યા હતા.જેના લીધે સપા વિદ્યાર્થી સભાના કાર્યકરો અને કોલેજના સ્ટાફ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
જાન્યુઆરી ૨૦૨૨માં કર્ણાટકમાં પણ આવી ઘટના બની
આ મામલે કોલેજના પ્રોફેસર ડૉ.એ.પી. સિંહે કહ્યું કે અહીં કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરાયો છે અને જે કોઈ તેનું પાલન નહીં કરે તેને કોલેજના પરિસરમાં પ્રવેશ નહીં અપાય.જાન્યુઆરી 2022માં પણ કર્ણાટકમાં આવી જ સ્થિતિ પેદા થઈ હતી.ઉડુપી જિલ્લાની ગવર્મેન્ટ ગર્લ્સ પીયુ કોલેજની અમુક વિદ્યાર્થીનીઓએ આરોપ મૂક્યો હતો કે હિજાબ પહેરવાને કારણે તેમને કોલેજમાં પ્રવેશતા અટકાવાઈ હતી.