– કુટુંબીઓની નજર સામે બનેલી ઘટના
મુંબઈ, 23 જાન્યુઆરી સોમવાર 2023 : પુણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પુણેના જિલ્લાધ્યક્ષ સમીર થિગળે પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.આ ઘટના રાજગુરુનગરના થિગળેના ઘર સામે જ શનિવારે રાત્રે બન્યો હતો.જો કે આ સમયે હુમલો ખોરની પિસ્તોલમાંથી ગોળી જ ન છૂટતા થિગળેનો બચાવ થયો હતો.ત્યારબાદ દહેશત ઉભી કરવા ગુંડાઓએ હવામાં ગોળીબાર કર્યો હતો અને ભાગી છૂટયા હતા.
આ ઘટના બની ત્યારે થિગળેના કુટુંબીજનો પણ ત્યાં હાજર હતા અને ગુંડાઓએ થિગળેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટના બાદ રાજગુરુનગર પોલીસે મિલિંદ જગદાળે અને મયુર જગદાળે નામના બે ગુંડાઓ સામે પ્રાણઘાતક હુમલાનો પ્રયાસ અને ખંડણી માગવાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ ઘટના બાદ ગુંડાઓ ફરાર થઇ જતા પોલીસે આ લોકોને ઝડપી લેવાના પ્રયાસ આદર્યા છે.આ ગુંડાઓ સામે મોક્કા હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ પોલીસે સ્પષ્ટ કર્યું હતું.
સમીર થિગળે છેલ્લા ઘણા વર્ષોથી મનસેમાં કાર્યરત છે.પક્ષના કામમાં સદાય સક્રિય રહેતા થિગળેની પક્ષ પ્રમુખ રાજ ઠાકરેએ એપ્રિલ મહિનામાં ફરીથી પુણે જિલ્લાધ્યક્ષ પદે નિમણૂક કરી હતી.દરમિયાન શનિવારે જગદાળેએ થિગળે પાસે પૈસાની માગણી કરી ‘હું ખેડનો ભાઇ છું અને એકને પતાવી દીધો છે હવે તારો વારો છે’ તેવું કહી તેની તરફ પિસ્તોલ ધરી દીધી હતી.જો કે સદ્ભાગ્યે ગોળી જ છુટી નહોતી તેથી થિગળેનો બચાવ થયો હતો.અંતે ગુડાઓ હવામાં ગોળીબાર કરી રફુચક્કર થઇ ગયા હતા. પુણેમાં છેલ્લા થોડા સમયથી ગુનાકોરીએ માજા મૂકી છે.કોયતા ગેન્ગ સહિત અન્ય નાની-મોટી ગેન્ગે પુણે સહિત અન્ય વિસ્તારોમાં દહેશત ફેલાવી છે તેવામાં હવે મનસેના જિલ્લાધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ કરવામાં આળતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.