બોયકોટના ટ્રેન્ડ વચ્ચે પઠાનને ફટકો : રીલીઝ પહેલાં જ ફિલ્મ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બની ગઈ

109

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન જે આજે સમગ્ર ભારતમાં રીલીઝ થઇ છે તે રીલીઝ અગાઉ જ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બની ગઈ છે.જો સામાન્ય ભાષામાં કહીએ તો પઠાન ઓનલાઈન લીક થઇ ગઈ છે.એક તરફ ફિલ્મના નિર્માતાઓ અને વિવિધ ટ્રેડ એનાલીસ્ટ એવો દાવો કરી રહ્યાં છે કે ફિલ્મ રીલીઝ થાય તે અગાઉ જ બમ્પર એડવાન્સ બુકિંગ દ્વારા કરોડો કમાઈ ચુકી છે તો બીજી તરફ આ પ્રકારના સમાચાર તેમનાં માટે ચિંતા ઉપજાવી શકે તેમ છે.

મળતાં અહેવાલો અનુસાર પઠાન ઓનલાઈન લીક કરવા પાછળ 123movies, 123movierulz અને Filmyzilla જેવી વેબસાઈટ્સ જવાબદાર છે.આ ત્રણ મુખ્ય વેબસાઈટ્સ ઉપરાંત Onlinemoviewatches,Filmywap અને Tamilrockers દ્વારા પણ પઠાન ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.હિન્દી ફિલ્મો અને પાયરસી વચ્ચે બહુ જુનો સંબંધ છે. 1980 અને 1990નાં દાયકામાં જ્યારે વિડીયો કેસેટ્સ એટલેક VHS ઉપલબ્ધ હતી ત્યારે ફિલ્મ રીલીઝ થવાના એક કે બે દિવસ અગાઉ જ ગલ્ફ દેશોમાંથી તેની પાયરેટેડ કેસેટો સમગ્ર ભારતમાં ફેલાઈ જતી અને હિન્દી ફિલ્મોને ખૂબ નુકસાન કરતી.ત્યારબાદ આ પ્રકારની કેસેટ્સનો ફેલાવો ત્યારે વધ્યો જ્યારે ભારતભરમાં કેબલક્રાંતિ થઇ અને હવે તો જ્યાં વિડીયો કેસેટ પ્લેયર્સ પણ ન હતાં ત્યાં પણ લોકો ફિલ્મની રીલીઝ અગાઉ અથવાતો તે જ રાત્રે ફિલ્મ પોતાના લિવિંગ રૂમમાં જોઈ લેતાં.ત્યારબાદ થિયેટર્સની હાલત સુધરી અને મલ્ટીપ્લેક્સના જમાનામાં ફરીથી લોકો ફિલ્મો જોવા થિયેટર તરફ વળ્યાં.તેમ છતાં હવે ઓનલાઈન પાયરસીનું દુષણ પણ વધી ગયું છે.જો કે પઠાનની વાત અલગ છે.એક તરફ બોલીવુડને સ્વચ્છ અને તમામ ધર્મો પ્રત્યે તટસ્થ રાખવાની તરફેણ કરતાં લોકો પઠાનનો વિરોધ તેમજ તેનો બોયકોટ કરી રહ્યાં છે.

અગાઉ પણ આ રીતે ફિલ્મોનો બહિષ્કાર થયો છે અને ઘણી ફિલ્મોને સહન કરવાનું આવ્યું છે.એવામાં પઠાનનું એડવાન્સ બુકિંગ અઠવાડિયા પહેલાં જ બમ્પર થયું હોવાનો દાવો ફિલ્મ સાથે જોડાયેલાં લોકો કરી રહ્યાં છે.પરંતુ સામે જો પઠાન ઓનલાઈન લીક થઇ ગઈ છે અને સોશિયલ મીડિયામાં પઠાનના આજના તમામ શો ખાલી હોવાના સ્ક્રિનશોટ્સ ફરી રહ્યાં છે તો એ દ્રષ્ટિએ પઠાન,શાહરૂખ ખાન અને આ ફિલ્મના નિર્માતાઓ માટે ઊંઘ ઉડી જાય તેવા આ સમાચાર કહી શકાય.

આ અગાઉ બ્રહ્માસ્ત્ર,મિશન મંજુ, RRR,લાઈગર,પુષ્પા જેવી ફિલ્મોને પણ ઓનલાઈન પાયરસીનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ આમાંથી મોટાભાગની ફિલ્મો હીટ અથવાતો સુપરહિટ થઇ હતી.

Share Now