સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરત-મુંબઇ નેશનલ હાઈવે પર બસ અને કાર વચ્યે થયેલા અકસ્માતમાં ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.મૃતકો બારડોલીના હોવાની વિગતો સામે આવી છે.અકસ્માત મહારાષ્ટ્રના ચારોટી જંકશન નજીક કાસા ગામની સીમમાં થયો હતો.બારડોલીનો NRI પરિવાર મુંબઇ એરપોર્ટ પર જઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, બારડોલીનો પરિવાર લંડન જઇ રહેલા બે NRIને મુંબઇ એરપોર્ટ પર મુકવા જઇ રહ્યાં હતા.તેમની સ્કોડા કાર કાસા ગામની સીમમાં પહોંચી ત્યારે ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર બસ સાથે અથડાઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
અકસ્માત થયાની જાણ થતાં જ ચારોટી જંકશન નજીકના રહેવાસી અને કાસા ગામની આસપાસના લાકો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતાં બારડોલીના વહોરવાડ વિસ્તારના સગાસંબંદીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો પણ પહોંચ્યા હતા.


