– કર્મચારીઓએ કંપનીના વિરોધમાં ટ્રિબ્યુનલમાં રજૂઆત કરી હતી,જેને પગલે ટ્રિબ્યુનલે ગયા ઑક્ટોબર મહિનામાં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો
મુંબઈ ,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : જેટ ઍરવેઝ કંપનીએ એના ૩૫૦ કર્મચારીઓની ગ્રેચ્યુઇટીની રકમ અટકાવતાં રાજ્ય સરકારે એની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને કંપનીનાં ચાર બોઇંગ ૭૭૭ ઍરક્રાફ્ટને સીલ લગાવ્યું છે તથા કંપની જ્યાં સુધી એના કર્મચારીઓની ગ્રેચ્યુઇટી ચૂકવતી નથી ત્યાં સુધી આ સીલ હટાવાશે નહીં એમ જણાવ્યું છે.
બાળાસાહેબની શિવસેના પક્ષના પ્રવક્તા કિરણ પાવસકરે કામગારો વતીથી લડત ચલાવી હતી.જેટ ઍરવેઝે કંપનીના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ચૂકવી ન હોવાથી તેઓ પ્રોવિડન્ટ ફન્ડ અને ગ્રેચ્યુઇટી માટે કાયદેસર લડાઈ લડી રહ્યા છે.કર્મચારીઓએ કંપનીના વિરોધમાં ટ્રિબ્યુનલમાં રજૂઆત કરી હતી,જેને પગલે ટ્રિબ્યુનલે ગયા ઑક્ટોબર મહિનામાં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.જોકે એમ છતાં ગ્રેચ્યુઇટીના પૈસા કર્મચારીઓને મળી શક્યા નહોતા.
મુંબઈ ઉપનગરીય કલેક્ટર કચેરીનાં નિધિ ચૌધરીએ જેટનાં ચાર ઍરક્રાફટ સીલ કરવાનો આદેશ આપતાં તહસીલદારે ચાર ઍરક્રાફ્ટ સીલ કર્યાં હતાં.એનું વેચાણ કંપની જ્યાં સુધી કર્મચારીઓને ગ્રેચ્યુઇટી નહીં ચૂકવે ત્યાં સુધી નહીં કરી શકાય.
જેટ ઍરવેઝે લગભગ ૨૨,૦૦૦ કર્મચારીઓની ગ્રેચ્યુઇટી ચૂકવી નથી,જેની સામે કિરણ પાવસકર કાનૂની લડાઈ લડી રહ્યા છે.