ગાંધીનગર,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : ગુજરાતના વધુ એક સિનિયર આઈએએસ અધિકારી દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.જેમાં રાજયના મહિલા આઈએએસ અધિકારી સોનલ મિશ્રા દિલ્હી ડેપ્યુટેશન પર છે.તેમાં દિલ્હીમાં સ્કિલ ડેવલોપમેન્ટના જોઈન્ટ તરીકે મુકાયા છે.તથા સોનલ મિશ્રા ટૂંક સમયમાં ગુજરાતમાં ચાર્જ છોડી દિલ્હી ચાર્જ સંભાળશે.
આજે જ પંચાયત વિભાગનો વધારાનો હવાલો સુપ્રત કર્યો
ગુજરાત સરકારે સોનલ મિશ્રાને આજે જ પંચાયત વિભાગનો વધારાનો હવાલો સુપ્રત કર્યો હતો.તથા ટૂંક સમયમાં રાજ્યના અન્ય એક સિનિયર અધિકારી મનીષ ભારદ્વાજ પણ દિલ્હી જશે.ત્યારે ગુજરાતના વધુ 4 સનદી અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. IAS વિપુલ મિત્રાની GNFCમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત IAS એ.કે. રાકેશ, કમલ દયાણી અને સોનલ મિશ્રાને પોતાની હાલની ફરજોની સાથે અલગ અલગ સરકારી વિભાગોમાં વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા IAS વિપુલ મિત્રાને ભરુચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર અને કેમિકલ્સ (GNFC)ના ચેરમેન તરીકે બદલી આપવામાં આવી છે.આ ઉપરાંત ડાંગ જિલ્લા કલેકટર IAS ડી.જે. ચાવડાને ચીફ ટાઉન પ્લાનર,ગાંધીનગર તરીકે બદલી આપવામાં આવી છે.
ડાંગ જિલ્લા કલેકટર IAS ડી.જે. ચાવડાને ચીફ ટાઉન પ્લાનર, ગાંધીનગર તરીકે બદલી
IAS ડી.જે. ચાવડાની બદલી થતા ડાંગ જિલ્લા વિકાસ અધિકારી IAS વિપિન ગર્ગને ડાંગ જિલ્લાના કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ ઉપરાંત સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ IAS એ.કે. રાકેશને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.આ સાથે જ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ IAS કમલ દયાણીને ઉધોગ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.અને IAS સોનલ મિશ્રાને પંચાયત વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
IAS પંકજ કુમારની ટર્મ આજરોજ 31 જાન્યુઆરીએ પૂર્ણ
રાજ્યના હાલના મુખ્ય સચિવ IAS પંકજ કુમારની ટર્મ આજરોજ 31 જાન્યુઆરીએ પૂર્ણ થતા હવે તેમના સ્થાને રાજ્યના મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારે ચાર્જ સંભાળ્યો છે. 31 ઓગસ્ટ 2021થી IAS પંકજકુમાર ગુજરાતના મુખ્ય સચિવ હતા.જે બાદ હવે રાજ્યના નવા મુખ્ય સચિવ IAS રાજકુમાર બન્યા છે.આ ઉપરાંત ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થતા રાજ્યના DGP તરીકે IPS વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે.આશિષ ભાટિયાનો આજરોજ સેવાનો અંતિમ દિવસ હોવાથી હવે તેમના પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દૌર છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો હતો.ત્યારે જ્યાં સુધી નવા DGPની નિયુક્તિ ન થાય ત્યાં સુધી IPS વિકાસ સહાયને તેમની હાલની ફરજો ઉપરાંત રાજ્યના DGP તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.


