ભાવનગર , 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર : ભાવનગર જીએસટીના બોગસ બિલીંગનું એપી સેન્ટર બની ગયું છે અને તાજેતરમાં અનેક કૌભાંડ ઝડપાયા છે ત્યારે સ્ટેટ જીએસટી વિભાગે વધુ 137 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે.આધારકાર્ડના મોબાઈલ નંબરમાં સુધારો કરી જીએસટીના રજિસ્ટ્રેશન કરવાનું કૌભાંડ પકડાયું છે.ભાવનગરના પાલિતાણાના હવા મહેલ રોડ પર આવેલા આધાર કેન્દ્રમાં આ રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે અને 6 થી 7 કૌભાંડીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટેટ જીએસટી વિભાગે બોગસ બિલિંગના કૌભાંડને ડામાવા માટે કાર્યવાહી શરૂ કરી છે.જેમાં વધુ એકવાર સફળતા હાથ લાગી છે.જીએસટી નંબર માટે આધારકાર્ડ ફરજિયાત છે અને આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિન્ક કરવું જરૂરી છે.હાલે જે કૌભાંડ ઝડપાયું છે.તેમાં આધારકાર્ડ સાથે લિંક કરવામા આવેલા મોબાઈલ નંબરને બદલી નાંખવામાં આવ્યું છે.આ રીતે 1500થી વધુ મોબાઈલ નંબર બદલવામાં આવ્યા છે.
જીએસટી વિભાગને માહતી મળી હતી કે, ભાવનગરના પાલિતાણામાં આધારકાર્ડ કેન્દ્રમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરકારી સહાયની લાલચ આપવામાં આવી હતી અને આ લોકોના આધારકાર્ડ સાથે લિન્ક કરવામાં આવેલા મોબાઈલ નંબર બદલી નાખતા હતા.સુરતમાં 75 જેટલી શકમંદ પેઢીઓમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી અને 61 પેઢીઓમાં બોલસ બિલિંગ થયાનું જણાઇ આવ્યું હતું.જેમાં 84 કરોડની કરચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.
સુરતમાં તપાસ દરમિયાન જીએસટી વિભાગને જાણવા મળ્યું હતું કે, એપીકે ફાઇલથી એન્ડ્રોઇડ એપ દ્વારા આધારકાર્ડ,પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા.ફેસબુકમાં ડમી નામથી શિવ લોન સર્વિસ નામનું બનાવટી આઇડી બનાવવામાં આવ્યું હતું.લોકો પાસેથી લોન આપવાના બહાને તેમના દસ્તાવેજો મેળવવામાં આવતા હતા.સુરતમાં અમુક પેઢીઓમાં આધારકાર્ડના સરનામા પાલીતાણા,અમરેલી,અમદાવાદ,આણંદ અને ભાવનગરના હોવાનું બહાર આવ્યું હતું.જેથી પાલીતાણામાં તપાસ હાથ ધરાઈ હતી.જે દરમિયાન આધારકાર્ડમાં સુધારો કરીને જીએસટી નંબર અને પાન નંબર લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન અમદાવાદમાં 13 પેઢીઓમાં બોગસ બિલિંગ થયાનું સામે આવ્યું હતું.જેમાં 53 કરોડની કરચોરીનું કૌભાંડ આચરાયું છે.જેની ફરિયાદ ભાવનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અને હાલ તપાસ ચાલી રહી છે.