સુરત,તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : સુરતમાં લક્ઝરી બસ સંચાલકો અને વરાછાના ધારાસભ્ય વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે.એક તરફ બસ સંચાલકો દ્વારા સુરત શહેરમાં એકપણ ખાનગી બસ નહીં પ્રવેશે તેવો નિર્ણય કરાયો છે.તો બીજી તરફ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને એસટીની સ્લીપિંગ બસો શરૂ કરવા રજૂઆત કરી છે.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા દિવસો પહેલા ટ્રાફિક ડીસીપીને લેખિત રજૂઆત કર્યા બાદ શહેરમાં પ્રવેશવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.જેનો બસ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો અને મુસાફરોને વાલમ ચોકડી પાસે ઉતારી દીધા હતા.જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવામાં આવતા મુસાફરોને ઘરે પહોંચવા માટે બસના ભાડા જેટલો જ ખર્ચ ભોગવવો પડે તેવ સ્થિતિ ઉભી થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.
21 ફેબ્રુઆરીથી એકપણ ખાનગી બસ સુરત શહેરમાં નહીં જાય
ધારાસભ્ય સામે બાંયો ચડાવીને સુરત ખાનગી બસ એસોસિએશને એક નિર્ણય કર્યો છે. આજથી એટલે કે 21 ફેબ્રુઆરીથી હવેથી એકપણ ખાનગી બસ શહેરમાં પ્રવેશ નહીં કરે.શહેર પ્રવેશવાની છૂટના સમયે પણ બસોને શહેરમાં પ્રવેશ કરાવવામાં નહીં આવે.તમામ બસોનું સચાલન વાલક પાટિયાથી કરવામાં આવશે.એટલું જ નહીં રેગ્યુલર ખાનગી બસોજ નહીં પરંતુ પ્રસંગોપાત ભાડે કરવામા આવેલી ખાનગી બસોને પણ પ્રવેશ આપવામાં નહીં આવે.
કુમાર કાનાણીનો એસટીની સ્લીપિંગ બસ શરૂ કરવા રજૂઆત
બસ સંચાલકો દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવતા મુસાફરો કફોડી સ્થિતિમાં મુકાયા છે.બીજી તરફ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે.જેમાં તેમણે રજૂઆત કરી છેકે, લક્ઝરી બસના સંચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે.સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને કચ્છથી લાખો લોકો ધંધાર્થે સુરત આવે છે.તેમને વતન જવા-આવવા માટે પ્રાઈવેટ લક્ઝરી બસોનો આધાર લેવો પડે છે.
પ્રાઈવેટ લક્ઝરી બસ માલિકો દ્વારા ભાડામાં પોતાની મનામાની ચલાવી મન પડે તેવા ભાડા વસૂલવામાં આવે છે.જેથી લોકોની માગણી છે કે, પ્રાઈવેટ બસોના રૂટોનો સર્વે કરી તે જ રૂટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઇએ.એવી મારી પણ માગણી છે.તો તાત્કાલિક ધોરણે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવામાં આવે તેવી રજૂઆત છે.
અમદાવાદમાં 28 ફેબ્રુઆરીએ બસો શહેરમાં નહીં પ્રવેશે તેવી ચીમકી
બીજી તરફ સુરતનો વિવાદ અમદાવાદ સુધી પણ પહોંચ્યો છે.અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશને માગી કરી છેકે શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 બસોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે.તેમજ ચીમકી ઉચ્ચારી છેકે જો અમારી આ માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો 28 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ટ્રાવેલ્સ બસને શહેરની અંદર લાવવામાં આવશે નહીં અને મુસાફરોને રિંગ રોડ પર ઉતારી દેવામાં આવશે. મુસાફરોએ રિંગ રોડથી જાતે પોતાની વ્યવસ્થા કરવી પડશે.નોંધનીય છે કે, અમદાવાદ હાલ રાત્રે 11થી સવારે 7 વાગ્યા સુધી જ ખાનગી બસને પ્રવેશવાની પરવાનગી છે.