પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનના 2300 થી વધુ કેસ નોંધાયા છે અને 32 લોકોનાં મોત નીપજ્યાં છે. દક્ષિણ એશિયામાં સૌથી વધુ કોરોના વાયરસના ચેપ પાકિસ્તાનમાં છે. વસ્તીની દ્રષ્ટિએ પાકિસ્તાન વિશ્વમાં પાંચમા ક્રમે છે. અસ્થિર અર્થતંત્ર અને આરોગ્યની નબળી સુવિધાઓથી માંડીને પાકિસ્તાનમાં કોરોના વાયરસનો ભય વધુ ગંભીર છે. હાલમાં, પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેટલાક કેસો છે, પરંતુ તેની અર્થવ્યવસ્થા પહેલેથી જ તેની વિપરીત અસરોનો સામનો કરી રહી છે. કોરોના વાયરસની અસરને કારણે પાકિસ્તાનને 30 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે જો પાકિસ્તાનમાં કોરોના વાયરસથી હાલત વધારે બગડે તો તેને 1.3 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થઈ શકે છે. પાકિસ્તાન પહેલાથી જ બધા દેશોના દેવા હેઠળ દબાયેલો છે. આ બધી સંભાવનાઓની વચ્ચે પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ થવાની શકયતા છે.
વડાપ્રધાન ઇમરાન ખાનનું કહેવું છે કે સંપૂર્ણ લોકડાઉન સંભવ નથી. લોકો સ્વેચ્છાથી ઘરમાં રહે. ઇમરાન જે મુશ્કેલીની વાત કરી રહ્યા છે, તેનો અંદાજ દેશમાં મજૂરોની સ્થિતિ જોઇ લગાવી શકાય છે. ઇસ્લામાબાદમાં અહીં બજાર, જાહેર પરિવહન, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી બંધ છે. ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન સરહદો સીલ કરી દેવાઇ છે. સરકારે મસ્જિદોમાં શુક્રવારની જુમ્માની નમાજ બંધ કરવાનો આદેશ કર્યા છે. તેનો ઘણા મૌલવીઓ વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં લાહોરમાં ત્રણ દિવસીય ધાર્મિક સમ્મેલન યોજાયું હતું. તેમાં આશરે 1.50 લાખ લોકો સામેલ થયા હતા. તેમાંથી ઘણા લોકો યુએઇ, પેલેસ્ટાઇન અને મધ્ય એશિયામાંથી આવ્યા હતા. પાક.માં અત્યાર સુધી કોરોનાના 2300થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.
સંયુક્ત રાષ્ટ્રે કોરોના હાલના આર્થિક સંકટ અંગે ચેતાવણી આપી
સંયુક્ત રાષ્ટ્રે પણ કોરોનાથી ઉપસ્થિત આર્થિક સંકટ અંગે ચેતાવણી આપી છે. યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) ના અનુસાર, પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશોમાં ભારે સંકટનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. ભારે દેવા અને આર્થિક મંદી સહિત કોરોના મહામારી પાકિસ્તાન, આર્જેન્ટિના અને પેટા સહારા આફ્રિકન દેશો માટે ખૂબ જ ભયાનક સંકટ લાવી શકે છે. રિપોર્ટ અનુસાર નિકાસમાં ઘટાડો, ફુગાવાના દરમાં ઘટાડો અને ચલણના અવમૂલ્યનને કારણે આ દેશોની અર્થવ્યવસ્થાને મોટો આંચકો પડશે. આ આર્થિક સંકટ 2008 ના આર્થિક સંકટ કરતાં પણ ખરાબ હશે.
અર્થવ્યવસ્થાના ભંગાણના ડરથી લોકડાઉન હજુ કર્યું નથી
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અર્થવ્યવસ્થાના ભંગાણના ડરથી હજી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું નથી. જોકે, મોટી સંખ્યામાં ઈરાનથી પરત આવતા લોકોમાં ચેપ લાગ્યો હોવાને કારણે પાકિસ્તાને ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ બંધ કરી દીધી છે. પાકિસ્તાનની તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ મુલતવી રાખવામાં આવી છે.
ચીન પાકિસ્તાનની સાથે
જોકે, કોરોના વાયરસના ચેપ દરમિયાન પણ ચીન પાકિસ્તાનની સાથે જ ઊભું છે. ચીને પાકિસ્તાનની હેલ્થકેર સિસ્ટમ રિપેર કરવામાં મદદ કરી છે. 25 માર્ચે ચીને પાકિસ્તાનને મોટા પાયે તબીબી પુરવઠો મોકલ્યો હતો. ચીને મેડિકલ કીટ અને દવાઓ પાકિસ્તાનમાં બે જહાજો અને અનેક ટ્રકો દ્વારા મોકલી હતી. ચીન દ્વારા પાકિસ્તાનને મોકલવામાં આવતા માલની કિંમત 6.7 કરોડ રૂપિયા છે. પાંચ લાખ સર્જિકલ માસ્ક, 50 હજાર પરીક્ષણ કીટ, 15 હજાર રક્ષણાત્મક પોશાકો અને 50 હજાર N96 રેસીપીરેટર્સ છે. ચીને પાકિસ્તાનને ખાતરી આપી છે કે તે તબીબી પુરવઠો મોકલવાનું ચાલુ રાખશે.