ગુજરાત : 20 હજાર કરોડના કૌભાંડો પછી પણ સરકારી કંપની GSPC ઠપ થઇ

99

ગાંધીનગર, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : GSPCએ તેના ગ્રાહકોને 2022માં નેચરલ ગેસનો જથ્થો ફાળવ્યો નથી.જેમાં માત્ર 2021માં 11,76,180 MMBTU ગેસનું ટ્રેડિંગ થયુ છે.તથા 20 હજાર કરોડના કૌભાંડો પછી સરકારી કંપની GSPC ઠપ થયેલી છે.તેમજ વીજળી મથકોને પણ જીએસપીસીએ ગેસ ફાળવ્યો નથી.

કંપની હવે માત્ર નેચરલ ગેસનું ટ્રેડિંગ જ કરી રહી છે

રૂ.20 હજાર કરોડથી વધુ રકમના કૌભાંડો પછી ગુજરાત સરકારની પેટ્રોલિયમ ક્ષેત્રની કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ હવે માત્રને માત્ર નેચરલ ગેસનું ટ્રેડિંગ જ કરી રહી છે.આ પોતે પણ હવે સીધી રીતે ગેસની આયાત કરતી નથી.તે કેન્દ્ર સરકારની કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ પાસેથી ગેસ ખરીદીને તેના ગ્રાહકોને પૂરો પાડી રહી છે.રાજ્ય સરકારે વિધાનસભામાં કોંગી નેતા અમિત ચાવડાના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, તા. 1-2-21થી તા. 31-1-22 અને તા. 1-2-22થી તા.31-1-23 સુધીના બે વર્ષના સમયમાં જીએસપીસીએ 11,76,180 મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ ગેસ પેટ્રોનેટ એલએનજી પાસેથી ખરીદ્યયો હતો.

જંગી મૂડીરોકાણ લગભગ બે વર્ષથી ઠપ હાલતમાં

આમાંનો 55 ટકા ગેસ સિટીગેસ ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓને, 23 ટકા ગેસ ફર્ટિલાઇઝર એકમોને, માત્ર 3 ટકા ગેસ પાવર કંપનીઓને,6 ટકા ગેસ રિફાઇનરીઓને તેમજ 13 ટકા ગેસ પેટ્રોકેમ તથા અન્યને ફાળવાયો હતો.આ વિતરણ કેલેન્ડર વર્ષ 2021 દરમિયાન જ થયું હતું. કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન જીએસપીસીએ તેના ગ્રાહકોને કોઈ જથ્થો ફાળવ્યો ન હતો.જીએસપીસીની પેટા કંપની ગુજરાત સ્ટેટ એનર્જી કોર્પોરેશન લિમિટેડ ગેસ આધારિત બે વીજમથકો ધરાવે છે.આ વીજળી મથકોને પણ જીએસપીસીએ ગેસ ફાળવ્યો નથી,પરિણામે આ જંગી મૂડીરોકાણ લગભગ બે વર્ષથી ઠપ હાલતમાં છે.

Share Now