– લવ-લૅન્ડ જિહાદ અને ધર્માંતર વિરુદ્ધ મીરા-ભાઈંદરમાં કાઢવામાં આવેલા મોરચામાં પ્રખર હિન્દુત્વવાદી કાજલ હિન્દુસ્તાનીએ આવો રસ્તો બતાવ્યો
મુંબઈ,તા. 14 માર્ચ 2023, સોમવાર : લવ ઍન્ડ લૅન્ડ જિહાદ સાથે મુસ્લિમો દ્વારા કરવામાં આવતા ધર્માંતર સંબંધે કઠોર કાયદો લાવવાની માગણી સાથે ગઈ કાલે મીરા-ભાઈંદરમાં સકલ હિન્દુ સમાજ દ્વારા હિન્દુ જન આક્રોશ મોરચો કાઢવામાં આવ્યો હતો.મોરચા બાદ આયોજિત કરવામાં આવેલી જાહેર સભામાં ત્રણેક હજાર લોકો સમક્ષ પ્રખર હિન્દુત્વવાદી કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે આર્થિક બહિષ્કાર કરીશું તો જ હિન્દુઓ સામેની લવ,લૅન્ડ જિહાદ અને ધર્માંતરણ પ્રવૃત્તિ બંધ થશે.હિન્દુઓ તેમની દીકરીઓને વિધર્મીઓ સામે લડવાના સંસ્કાર નહીં આપે તો એનાં ભયંકર પરિણામ આવવાની ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી.
લઘુમતી કોમના યુવાનો હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને લવ જિહાદ કરતા હોવાના તેમ જ તેમના દ્વારા જમીનનો કબજો કરીને લૅન્ડ જિહાદ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળી રહી છે એના વિરોધમાં કડક કાયદો લાવવાની માગણી કરવા માટે છેલ્લા કેટલાક સમયથી સકલ હિન્દુ સમાજ દ્વારા હિન્દુ જન આક્રોશ મોરચા કાઢવામાં આવી રહ્યા છે.મુંબઈ,નવી મુંબઈ બાદ ગઈ કાલે મીરા-ભાઈંદરમાં ગોલ્ડન નેસ્ટ સર્કલ પાસેથી એસ.કે. સ્ટોન મેદાન સુધી આવો મોરચો કાઢવામાં આવ્યો હતો,જેમાં ત્રણેક હજાર હિન્દુઓએ ભાગ લીધો હતો.તેઓ ભગવો ખેસ પહેરવાની સાથે હાથમાં ભગવા ઝંડા સાથે નીકળ્યા હતા.મોરચા બાદ એસ.કે. સ્ટોન મેદાનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાજલ હિન્દુસ્તાનીએ તેમના ભાષણમાં કહ્યું કે લઘુમતી કોમ લવ,લૅન્ડ જિહાદ સાથે ભારતની જમીન પર ગેરકાયદે કબજો કરી રહ્યા છે.તેમની આ પ્રવૃત્તિ સામે હિન્દુઓ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છે.આનાં ભયંકર પરિણામ આવશે.મારું બાળપણ ભાઈંદરના જેસલ પાર્કમાં વીત્યું છે.એ સમયે અહીં જૂજ માઇનોરિટી જોવા મળતી હતી.અત્યારે અહીં તેમની વધેલી વસ્તી અને તેમના દ્વારા દરેક ધંધા પર કરેલો કબજો ચોંકાવી દેનારો છે.અહીં ગેરકાયદે ફેરિયાઓ આજે દેખાય છે એમાંના મોટા ભાગના માઇનોરિટી જ છે.અમુક રૂપિયા બચાવવા માટે હિન્દુ મહિલાઓ આ ફેરિયાઓ પાસેથી સામાન ખરીદે છે.આવી કમાણીનો ઉપયોગ આતંકવાદ અને જિહાદમાં થાય છે.આથી જિહાદને રોકવા માટે તેમનો આર્થિક બહિષ્કાર કરવો એ એકમાત્ર ઉપાય છે.
બૉલીવુડ,ટીવી-સિરિયલો અને ઓટીટી પ્લૅટફૉર્મ પર પીરસવામાં આવતી સામગ્રીની હિન્દુ યુવતી-મહિલાઓ પર ગંભીર અસર થઈ રહી છે.એ વિશે કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે હિન્દુઓને તોડવા માટે માઇનોરિટી દ્વારા રીતસરનું અભિયાન બૉલીવુડ, ટીવી-સિરિયલો અને ઓટીટી પ્લૅટફૉર્મને માધ્યમ બનાવાઈ રહ્યાં છે.આવું જોઈને આપણી સગીર કિશોરીઓનાં મગજ પર ગંભીર અસર થઈ રહી છે.આપણે આનાથી ચેતવાની જરૂર છે. ૧૩-૧૪ વર્ષની આપણી દીકરીઓના દફ્તરમાં ડ્રગ પહોંચાડાઈ રહ્યું છે. દરેક હિન્દુ માતા-પિતાએ સગીર દીકરા-દીકરીઓને આ લોકો દ્વારા અપાતી લાલચથી બચવા કે તેમનો સામનો કરવા માટે સંસ્કાર આપવાની જરૂર છે.આ ખૂબ ગંભીર બાબત છે એટલે મહેરબાની કરીને એના પર ધ્યાન આપો,નહીં તો આપણે જ નહીં, આપણી આગામી પેઢીએ પેટ ભરીને પસ્તાવાનો વારો આવશે.