શહેરમાં લાંચ લેતા પકડાયેલા અધિકારી જવરીમલ બિશ્નોઈના આપઘાત કેસમાં હવે નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે. CBIની રેડ દરમિયાન ઓફિસના ચોથા માળેથી નીચે પટકાયેલા જવરીમલનું મોત નિપજ્યું હતું.ત્યારે મૃતક અધિકારીના દીકરાએ CBI પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.અધિકારીના દિકરા આદિત્ય બિશ્નોઈએ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે જેમાં CBIના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવા માટે માગણી કરી છે.
‘તું તારા પિતાનું મોઢું ક્યારેય નહીં જોઈ શકે’
આદિત્ય બિશ્નોઈએ લખેલા પત્રમાં કહેવાયું છે કે, CBIના અધિકારીઓએ સર્ચ દરમિયાન તેને કહ્યું કે, ‘તું તારા પિતાનું મોઢું ક્યારેય નહીં જોઈ શકે, તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે એટલે પતાવવા પડશે.’ પત્રમાં આદિત્યએ CBI અધિકારીઓએ ઘરમાં ઘુસીને અસભ્ય વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશી રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને CBIના અધિકારીઓએ કોરા કાગળમાં સહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
જવરીમલ સાથે ઘરેથી CBIએ વાત કરી હતી
CBIના અધિકારીઓએ સ્પીકર ફોનમાં જવરીમલ સાથે વાત કરી હતી ત્યારે અધિકારીએ તેમના પરિવારને સમગ્ર મામલામાં વચ્ચે ન લાવવા આજીજી કરી હતી.આદિત્યએ દાવો કર્યો છે કે CBIએ સર્ચ ઓપરેશન દરમિયાન કહેલી વાતોનું પણ તેની પાસે ઓડિયો રેકોર્ડિંગ છે.હાલ તો જવરીમલ બિશ્નોઈના દિકરાએ CBIના અધિકારીઓ પર લગાવેલા આ આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.
મૃતક જાવરીમલ બિશ્નોઈના પુત્ર આદિત્ય બિશ્નોઈએ અરજીમાં જણાવ્યું હતું કે ગત તા.24 માર્ચના રોજ પિતા જાવરીમલ બિશ્નોઈની ખોટી રીતે ધરપકડ કર્યા બાદ તેમની સામેની એફઆઈઆર સીબીઆઈએ આપી નહોતી,અને રૈયા રોડ સોપાન લકઝરિયસમાં ફલેટમાં ઘૂસવા માંગતા સીબીઆઈ અધિકારીઓએ વોરન્ટ કે આઈડી પ્રુફ પણ બતાવ્યા ન હતા,તેમજ બેફામ ગાળાગાળી અને ધાક ધમકી આપી ફલેટનું તાળું તોડાવીને અંદર ઘુસી જઈને માતા સુમન બિશ્નોઈ અને નાની બહેન આરઝુ બિશ્નોઈ વગેરે પાસેથી મોબાઈલ ફોન ઝુંટવી લીધા હતા,પરંતુ આદિત્યે તેનો મોબાઈલ ફોન ખિસ્સામાં રાખેલો હોવાથી તેમાં અધિકારીઓની ગેરકાયદે કાર્યવાહીનું રેકોર્ડીંગ કરી લેવાયું હતું.
આ દરમિયાન જ સીબીઆઈના એક અધિકારીએ કોઈને મોબાઈલ કરી કોલ સ્પીકર ઉપર રાખતા તેમાં સામેની વ્યકિતએ સંભળાવ્યું હતું કે, તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યકિત સાથે માથાકુટ કરી છે.એટલે તેમને પતાવી દેવામાં આવશે. કહીને પરિવારને ધાક ધમકીઓ આપવામાં આવી હતી.બાદમાં બીજા દિવસે પિતાએ ચોથા માળેની બારીમાંથી કૂદી આપઘાત કર્યો હોવાનું જાહેર કરાયું હતું.જોકે હકકીકતે પિતા જાવરીમલ બિશ્નોઈનું શરીર જોતા બારીમાંથી નિકળી શકે તેમ નહોતું.ત્યારે આવા સંજોગોમાં પિતાએ આપઘાત કર્યો નથી પણ તેમની હત્યા થઈ હોવાની શક્યતા છે.ત્યારે આ મામલે હત્યાનો ગુનો નોંધવાની માંગ પણ તેમણે આ પત્રમાં કરી છે.