– 20મી એપ્રિલે આઈટી સમક્ષ પૂછપરછ માટે હાજર થવા આદેશ
– વારાણસીના વિનાયક ગ્રુપની આવકમાંથી આઝમીને હિસ્સો મળતો હતો, ચોપડે ઓછી આવક બતાવી,હવાલાથી 40 કરોડ મેળવ્યા હોવાની પણ આશંક
મુંબઈ,તા. 11 એપ્રિલ 2023 મંગળવાર : આવકવેરા વિભાગની વારાણસી શાખાએ મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના નેતા અને ધારાસભ્ય અબુ આઝમીને રૃ.૧૬૦ કરોડની કરચોરીના મામલે સમન્સ મોકલ્યા છે.આઝમી પર આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વારાણસીથી મુંબઈ હવાલા દ્વારા રૃ.૪૦ કરોડ મેળવ્યા છે.આઝમીને ૨૦ એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
ગયા વર્ષે આવકવેરા વિભાગે કોલાબામાં અબુ અસીમ આઝમીના પરિસરમાં દરોડા પાડયા હતા.વારાણસી અને મુંબઈમાં દોશી,અગ્રવાલ અને ગુપ્તાના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.હવે વધુ તપાસ માટે આઝમીને સમન્સ મોકલવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ આવકવેરા વિભાગ વારાણસીમાં વિનાયક ગૂ્રપની તપાસ કરી રહ્યું હતું.તે સમયે આઝમીની સંડોવણીની જાણ થઈ હતી.વિનાયક ગૂ્રપેે વારાણસીમાં અનેક ઈમારતો,શોપિંગ સેન્ટરો,મોલ અને રહેણાંક હાઈરાઈઝ ઈમારતોનું નિર્માણ કર્યું છે.
આઇટી તપાસમાં જાણવા મળ્યું છે કે કાગળ પર વિનાયક ગૂ્રપના ત્રણ ભાગીદારો સર્વેશ અગ્રવાલ,સમીર દોશી અને આભા ગુપ્તા હતા.આભા ગુપ્તા એ ગણેશ ગુપ્તાની પત્ની છે,જે અબુ આસીમ આઝમીના નજીકના મિત્ર અને સહયોગી હોવાનું કહેવાય છે.ગણેશ ગુપ્તાનું મૃત્યુ થયું છે.અગાઉ તેઓ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી હતા.તેઓ કોલાબામાં આઝમીની બિલ્ડીંગમાં તેમની ઓફિસ ચલાવતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ત્રણ માલિકોના ઈમેલ અને નિવેદનો પરથી જાણવા મળ્યું કે વિનાયક ગૂ્રપની આવકને ચાર ભાગમાં વહેંચવામાં આવી હતી અને ચોથો ભાગ અબુ આસીમ આઝમીને મળતો હતો. ૨૦૧૮થી ૨૦૨૨ સુધીમાં ૨૦૦ કરોડ રૃપિયાની આવક થઈ હતી.એમાંથી રૃ.૧૬૦ કરોડની આવક દેખાડવામાં આવી હતી.તપાસ એજન્સીઓને શંકા છે કે હવાલા ચેનલો દ્વારા આઝમીને રૃ.૪૦ કરોડ રૃપિયા મોકલવામાં આવ્યા હતા.વારાણસીમાં આઝમીનો ફ્રન્ટમેન અનીસ આઝમી બિઝનેસ ઓપરેશન્સનું ધ્યાન રાખે છે.અનીસ દ્વારા જ મુંબઈમાં આઝમીને હવાલાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.


