– શિંદેએ બારોબાર ઓડિશન યોજતાં તેને હાંકી કાઢ્યો હતો
– દિપાલી પાક નાગરિક છે અને દાઉદ સહિત અન્ડર વર્લ્ડ સાથે સંબંધો ધરાવે છે તેવો પીએએ આક્ષેપ કર્યો હતા
મુંબઈ,તા. 11 એપ્રિલ 2023 મંગળવાર : એકનાથ શિંદે સમર્થક નેતા અને મરાઠી ફિલ્મોની અભિનેત્રી દિપાલી સૈય્યદે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં તેના ભૂતપૂર્વ પીએ સામે માનહાનિની ફરિયાદ નોંધાવી છે.સૈય્યદે પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભૂતપૂર્વ પીએ બાબુરાવ શિંદેએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.આ ઉપરાંત પોતે પાકિસ્તાની નાગરિક હોવાનો ખોટો દાવો કરી તેમજ દુબઈ અને લંડનમાં પ્રોપર્ટી હોવાનો આરોપ કરી તેની બદનામી કરી છે.
દિપાલી સૈય્યદના ભૂતપૂર્વ પીએ બાબુરાવ શિંદેએ થોડા દિવસો પહેલાં અહમદનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી દિપાલી સૈય્યદ સામે ગંભીર આરોપ કર્યા હતા.શિંદેએ એવો દાવો કર્યો હતો કે અભિનેત્રીએ થોડા સમય પહેલાં પાકિસ્તાની નાગરિકત્વ મેળવી લીધું છે અને તેના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે.
આ સંદર્ભે સૈય્યદનું કહેવું છે કે શિંદે ૨૦૧૯થી તેની પાસે નોકરી કરી રહ્યો છે.તેને જાણ થઈ હતી કે શિંદે તેની પરવાનગી વગર મરાઠી ફિલ્મોમાં કામ કરવા માગતી મહત્વકાંક્ષી યુવતીઓનું ઓડિશન લઈ રહ્યો છે.આ વાતની જાણ થયા બાદ તેણે શિંદેને કામ પરથી કાઢી મૂક્યો હતો.ત્યારબાદ શિંદેએ તેની બદનામી કરવાનું શરૃ કર્યું હતું.સૈય્યદ અનુસાર શિંદેએ તેના સંબંધ અંડરવર્લ્ડ સાથે હોવાનું દર્શાવવા દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર સાથે તેના ફોટા મોર્ફ કરી આ વાત લોકોમાં ઠસાવવાના ખોટા પ્રયાસો પણ કર્યા હતા.
આ સંદર્ભે ઓશિવરા પોલીસ અનુસાર શિંદે સામે આ પ્રકરણે કેસ નોંધવામાં આવ્યો છે પણ આ પ્રકરણે કોઈ ધરપકડ કરવામાં આવી નથી.આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ બાબતે વધુ પૂછપરછ માટે શિંદેને બોલાવવાના છીએ.તેની પૂછપરછ બાદ જ આ પ્રકરણે વધુ કાર્યવાહી શક્ય બનશે.ઓશિવરા પોલીસ આ પ્રકરણે ધાક- ધમકી આપવી,બદનામી કરવી તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.