ગાંધીનગર,તા. 14 એપ્રિલ 2023, શુક્રવાર : ગાંધીનગરમાં આજે ડો. ભીમરાવ આંબેડકર જયંતિના દિવસે જ 10,000થી વધારે લોકો રામ કથા મેદાનમાં એક્ઠા થયા છે.આ લોકોનો સમુહ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો છે.અહીં અડાલજના ત્રિમંદિરથી ગાંધીનગર સુધી વાહન રેલી પણ યોજાવાની છે જેને લઈને લોકો અહીં વિવિધ રાજ્યોથી પણ આવ્યા છે.
100થી વધુ બસ લઈ લોકો આવ્યા
ગાંધીનનગરના અડાલજ પાસે આવેલા ત્રિ-મંદિરથી ગાંધીનગર રામ કથા મેદાન સુધી મોટી વાહન રેલી સાથે આજે લોકો નિકળવાના છે.આ લોકો હવે પોતાના ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના છે.ધર્મ પરિવર્તન કરવામાં આવશે.પ્રાપ્ત વિગતો અનુસાર સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકોને જોડવામાં આવવાની વાત કરવામાં આવી છે.જેના માટે 100થી વધારે બસ લઈને લોકો આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
132મી જન્મજયંતી પર કાર્યક્રમ
સ્વયં સૈનિક દળ સંગઠનનું કહેવું છે કે, બૌદ્ધ ધર્મમાં પાખંડવાદ,જાતિવાદ કે અસ્પૃશ્યતાવાદ નથી.આ ધર્મ સભ્યતા સમાનતાનો ધર્મ છે.બાબાસાહેબે નાગપુરથી દોઢ લાખથી વધારે સમર્થકોની સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.આજે 132 મી ડો. ભીમરાવ આંબેડકર જયંતી પર એસસી એસટી સમાજના અને ઓબીસી સમાજના લોકો પણ આ ધર્મના કામમાં જોડાયા છે.


