– આવી ઘટનાઓ કાયદાનાં શાસન, લોકશાહી માટે ભયાવહ
– આ તપાસ માટે સુપ્રીમના પૂર્વ જજનાં નેતૃત્વ નીચે સ્વતંત્ર તપાસ સમિતિ રચવા કરાયેલી માગણી
દિલ્હી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : માફિયા ડોન અતિક અને તેના ભાઈ અસરફની થયેલી હત્યાના પગલે ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૬ વર્ષમાં થયેલા ૧૮૩ એન્કાઉન્ટર્સ સંબંધે તપાસ યોજવા આજે (સોમવારે) સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા રજૂ કરવામાં આવી હતી.
પોલીસની હાજરીમાં જ પ્રયાગરાજમાં જ હોસ્પિટલમાં લઈ જવાના અતિક અને અશરફની ધોળે દિવસે કરાયેલી હત્યાના અનુસંધાનમાં એડવોકેટ વિશાલ તિવારીએ આ યાચિકા સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરી હતી.તેમાં જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં ૧૮૩ એન્કાઉન્ટર્સ થયા છે.પોલીસ દ્વારા લેવામાં આવતાં આ પ્રકારનાં પગલાં દેશમાં કાયદાના શાસન અને લોકશાહી માટે પણ ભયાવહ છે. ૨૦૧૭ થી (હજી સુધીમાં) આવાં એન્કાઉન્ટર્સ થતા રહ્યા છે.
અતિક અને અશરફની હત્યા થઈ તેની પહેલાના દિવસે ઉ.પ્ર.ના સ્પેશ્યલ ડિરેટર જનરલ ઓફ પોલીસે (કાનૂન અને વ્યવસ્થા) જણાવ્યું હતું કે યોગી સરકારના છ વર્ષના ગાળામાં એન્કાઉન્ટર્સમાં ૧૮૩ અપરાધીઓ માર્યા ગયા છે.એડવોકેટ તિવારીએ તેનો ઉલ્લેખ પણ ઉક્ત યાચિકામાં કર્યો છે.સાથે તેઓએ જણાવ્યું છે કે આ પીઆઈએલ કાયદાનાં શાસનનાં ઉલ્લંઘન અને પોલીસની પાશવતા સામે કરવામાં આવી છે.યાચિકાકર્તાએ તેમ પણ જણાવ્યું હતું કે વિકાસ દૂબેનાં કાનપુરમાં થયેલા એન્કાઉન્ટર અંગે મેં જ આ કોર્ટમાં રજૂઆત કરી હતી.આવી જ ઘટના અતિક કેસમાં પણ બની છે.જેમાં તેના પુત્ર આસદની એન્કાઉન્ટરમાં હત્યા થઈ હતી.જયારે અતિક અને તેના ભાઈ અશરફની હત્યા પોલીસની હાજરી છતાં હત્યારાઓ કરી શક્યા હતા.
આ સાથે તિવારીએ તેઓની યાચિકામાં જણાવ્યું છે કે આવી ઘટનાઓ કાયદાનાં શાસન અને લોકશાહી તેમ બંને માટે ભયાવહ છે.તેથી તે વિષે સંપૂર્ણ તપાસ યોજવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિના નેતૃત્વમાં સ્વતંત્ર તપાસ સમિતિ રચાવી જ જોઈએ.

