– PM મોદી 10મી મે પહેલા કર્ણાટકમાં 15-20 રેલીઓમાં સંબોધન કરે તેવી સંભાવના
– PM મોદી 04થી મેએ કાર્યકર્તાઓના એક સંમેલનમાં ભાગ લઈને તેમનો ઉત્સાહ વધારશે
બેંગ્લુરુ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : કર્ણાટક વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે.પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી બહાર પડાઈ રહી છે… તો ટિકિટ ન મળતા કેટલાક નેતાઓની નારાજગી સામે આવી રહી છે.ત્યારે ભાજપે પણ કર્ણાટકમાં ભગવો લહેરાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે.કર્ણાટકમાં મતદારોને રિઝવવા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મેદાનમાં ઉતારવાન તૈયારીઓ કરી રહી છે.
PM મોદી-CM યોગી કર્ણાટકના ઉડીપીની મુલાકાતે જશે
દરમિયાન ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી મેએ કર્ણાટકના ઉડીપીની મુલાકાત લઈ શકે છે.વડાપ્રધાન મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના એક સંમેલનમાં ભાગ લઈને તેમનો ઉત્સાહ વધારશે.કહેવાઈ રહ્યું છે કે, PM મોદીની સાથે સાથે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ આવે તેવી સંભાવના છે.અહેવાલો મુજબ વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને શહેરમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
PMની ઉડુપીના દરિયાકાંઠાના જિલ્લાની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ
કર્ણાટકમાં ચૂંટણી પહેલા PM મોદીની ઉડુપીના દરિયાકાંઠાના જિલ્લાની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.કારણ કે, ઉડુપી ચિકમગલુર લોકસભા બેઠકમાં 8 વિધાનસભા બેઠકો છે, ઉડુપીમાં 4 અને ચિકમંગલુરમાં 5 બેઠકો છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 8માંથી 7 બેઠકો પર જીત મેળવી હતી. PM મોદી ચૂંટણી પહેલા ઓછામાં ઓછી 15થી 20 રેલીઓમાં સંબોધન કરે તેવી સંભાવના છે.ભાજપના એક નેતાએ જણાવ્યું કે, કર્ણાટકમાં 10 મેએ યોજાનાર ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી અહીં 15-20 રેલીઓ કરે તેવી અમને આશા છે.
ઉડુપીના દરિયાકાંઠા જિલ્લામાં સૌથી વધુ હિન્દૂ સમુદાય
આ દરિયાકાંઠા જિલ્લામાં સૌથી વધુ હિન્દૂ સમુદાયના લોકો રહે છે.ભાજપ અહીંની હિન્દૂ વોટ બેંક માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વિશ્વાસ કરી રહી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં આદિત્યનાથે દક્ષિણ રાજ્યમાં પ્રચાર ક્યો હતો. ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં ભાજપને સતત બીજી જીત અપાવ્યા બાદ યોગી આદિત્યનાથ રાજ્ય ચૂંટણીઓમાં પક્ષના સ્ટારપ્રચારકોમાંથી એક છે.
કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ
કર્ણાટકમાં 10મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે.જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે.કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે.જેને પગલે કોંગ્રેસ પોતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે.જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે.તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે.ભાજપ,કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે.

