– બાળકને 10માં માળેથી નીચે ફેંકી કરાઈ હત્યા
– પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
અમદાવાદ, તા. 19 એપ્રિલ 2023, બુધવાર : રાજ્યમાં નવજાત બાળકો રસ્તા પર મળી આવે છે તો ક્યાંક બાળકોને જમીનમાં દાટી દઈ હત્યા કરવામાં આવે છે.આ દરમિયાન વધુ એક બાળકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની 10મા માળેથી ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં અમાનવીય ઘટના સામે આવી છે.જેમાં નવજાત બાળકને દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે.આ ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે પહોંચી ચૂક્યો છે.ત્યારે બાળકની હત્યા મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે.
પોલીસનો કાફલો તપાસ ચલાવી રહ્યો છે.ત્યારે બાળક કોનું છે તે સવાલ હજુ અકબંધ છે.બાળકના જન્મના માત્ર એક બે દિવસ થાય હોઈ શકે છે.જેથી પોલીસે એપાર્ટમેન્ટમાં તમામ બ્લોકમાં તપાસ શરૂ કરી છે.અને એપાર્ટમેન્ટમાં કોઈ મહિલા ગર્ભવતી હતી કે કેમ? તથા નવજાત બાળકની માતા સુધી પહોંચવા પોલીસે આસપાસમાં આવેલી હોસ્પિટલ અને મેટરનીટી હોમમાં તાજેતરમાં જન્મેલા બાળકોની વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે.જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે.
પોલીસે તપાસ શરૂ કરી
હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.પોલીસે આ સોસાયટીમાં કેટલી મહિલાઓની ડિલીવરી થઈ છે તેવી વિગતો પણ મંગાવી છે.નવજાત બાળક કેવી રીતે નીચે પડ્યું કે પછી ફેંકી દેવામાં આવ્યું તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.પોલીસ આ બાબતે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિત તમામ વસ્તુઓ કબજે લઈને તેમજ આજુબાજુના લોકોને પૂછપરછ કરીને ઘટના બાબતે તપાસ કરી રહી છે.