2047 સુધીમાં ભારતને બનાવીશું ડ્રગ મુક્ત : ગૃહમંત્રી અમિતભાઈ શાહ

57

– નવી દિલ્હીમાં યોજાયેલી એન્ટી-નારકોટિક્સ ટાસ્ક ફોર્સની કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું સંબોધન
– અમિત શાહે કહ્યું, ઘણા દેશો ડ્રગ્સ સામેની લડાઈમાં હારી રહ્યા છે,પરંતુ અમારી લડાઈ ચાલુ છે અને અમે જીતીશું

નવી દિલ્હી,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : નવી દિલ્હીની પૂસા સંસ્થાનમાં એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સની કોન્ફરન્સ યોજાઈ,જેમાં પ્રથમવાર એન્ટી-નારકોટિક્સ ટાસ્ક ફોર્સના વડા ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં નારકોટિક્સ પર લગામ કસવાની વ્યૂહરચના ઘડાઈ હતી.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું.

‘અમે 2047 સુધીમાં ભારતને ડ્રગ્સ મુક્ત બનાવીશું’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, મોદી સરકાર ડ્રગ્સના ખતરાને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.અમે 2047 સુધીમાં ભારતને ડ્રગ્સ મુક્ત બનાવીશું.તેમણે વધુમાં કહ્યું કે, તમામને ખ્યાલ હોવો જોઈએ કે, આ વર્ષે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે.મોદીજીએ લક્ષ્ય રાખ્યું છે કે, 2047 સુધીમાં ભારત ડ્રગ ફ્રી હોવું જોઈએ… ભારત સરકારે ખાતરી કરવી જોઈએ કે, તમામે ડ્રગ વિરુદ્ધની લડાઈમાં સાથે રહેવું જોઈએ… ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા નાર્કોટિક્સ સામે લેવાયેલા પગલાં ખૂબ જ સફળ રહ્યા છે.દેશની સરહદ પરથી નાર્કો ટેરરના નામે માદક દ્રવ્યોના કન્સાઈનમેન્ટની હેરફેર થઈ રહી છે.એવા ઘણા દેશો છે જે ડ્રગ્સ સામેની લડાઈમાં હારી રહ્યા છે,પરંતુ અમારી લડાઈ ચાલુ છે અને અમે જીતીશું.

લડાઈમાં દરેકે આગળ આવવું પડશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે ડ્રગ્સ સામેના અભિયાન અંગે વિગતવાર વ્યૂહરચના ઘડી છે.અગાઉ ભારત સરકાર તરફથી તમામ નાર્કો એજન્સીઓને સંપૂર્ણ મદદ મળતી ન હતી.આ માટે દરેકે આ લડાઈમાં આગળ આવવું પડશે.છેલ્લા 9 વર્ષમાં ડ્રગ્સના વેપારના આરોપમાં 300 ટકાથી વધુ લોકોની ધરપકડ કરાઈ છે.અમિત શાહે વધુમાં કહ્યું કે, ક્રિપ્ટો કરન્સી અને ડાર્ક નેટ સામે લડવા માટે રાજ્યના નાર્કોટિક્સ અધિકારીઓએ કેન્દ્રીય એજન્સીઓના સતત સંપર્કમાં રહેવું પડશે.તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈમાં કડક પગલાં લેવા પડશે. ડ્રગ્સની દાણચોરી દ્વારા દેશના હિતોને નુકસાન પહોંચાડનારાઓને કડક રીતે જવાબ આપવો પડશે.

Share Now