નવી દિલ્હી,તા.20.એપ્રિલ,2023 : બ્રિટનની સ્કૂલોમાં ભણતા હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો અને તેમને ધર્માંતરણ કરવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો ખુલાસો બ્રિટનની હેનરી જેક્સન સોસાયટી નામની સંસ્થાએ કર્યો છે.
બ્રિટનમાં કાર્યરત કેટલાક વિધર્મી જૂથો એમ પણ અહીં રહેતા હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા હોવાની ફરિયાદો તો ભારતીય સમુદાય કરતો જ આવ્યો છે પણ હવે સ્કૂલોમાં પણ હિન્દુ વિદ્યાર્થીઓ સામે ઝેર ઓકવામાં આવી રહ્યુ છે.આ સંસ્થાએ 1000 જેટલી સ્કૂલોમાં ભણતા હિન્દુ વિદ્યાર્થીઓના 988 જેટલા વાલીઓ સાથે વાત કરી હતી અને તેમાં 51 ટકાએ કહ્યુ હતુ કે અમારા બાળકોને હિન્દુ વિરોધી નફરતનો રોજ સામનો કરવો પડે છે.હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ધાર્મિક ભેદભાવ કરવામાં આવે છે.
આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો ત્યારે સંસ્થાના શાર્લોટ લિટલવૂડે કહ્યુ હતુ કે, બાળકોના માતા પિતાએ આપેલી જાણકારી અનુસાર કેટલાક કિસ્સામાં બાળકોને સતત ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવે છે.તેમને કહેવામાં આવે છે કે, હિન્દુ ધર્મનો કોઈ અર્થ નથી.વિદ્યાર્થીઓ પર બીફ ફેંકવાના કિસ્સા પણ બન્યા છે.ભારતમાં જે પણ ઘટનાઓ બને છે તે માટે બ્રિટનમાં સ્કૂલોમાં ભણતા હિન્દુ બાળકોને જવાબદાર ઠેરવવામાં આવે છે.
માતા પિતાએ એમ પણ કહ્યુ હતુ કે, બ્રિટનમાં બીજા ધર્મના તહેવારો પર સ્કૂલોમાં રજા અપાય છે પણ હિન્દુ તહેવારો માટે રજા આપવામાં આવતી નથી.


