– એસીબીએ તપાસ કરતા આરોપીના ઘરેથી રૂ. 27,83,440/-ની રોકડ રકમ મળી
પાલનપુર, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર : રાજ્યભરમાં એક બાદ એક લાંચિયા અધિકારીઓને એસીબીની ટીમ દ્વારા રંગેહાથ લાંચ લેતા ઝડપવામાં આવી રહ્યા છે.આ લાંચિયા અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે.જ્યારે અન્ય કેટલાક લાંચિયાઓ અન્ય બાબતોનો ફાયદો ઉઠાવી મસમોટી લાંચની રકમ માંગતા હોય છે.ત્યારે આવો જ એક લાંચિયો અધિકારી એસીબીના હાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.જેને લઈ વધુ તપાસ કરતા અનેક મોટા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર,આ કામનો ફરિયાદી સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા હોવાથી સરકાર તરફથી વિદ્યાર્થીઓના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવાના તેમજ કોઈ ખામીઓ ન કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા સારૂ પાલનપુરના સમાજ કલ્યાણ અધિકારી અમિત નરેન્દ્રભાઈ પટેલ(વર્ગ-2 )એ રૂ.10,000ની લાંચ માંગી હતી.જે ફરિયાદીને યોગ્ય ન લાગતા ફરિયાદી દ્વારા આ અંગે એસીબીનો સંપર્ક કરી આ મામલે જાણ કરાઈ હતી.જે બાદ એસીબી દ્વારા છટકાનું આયોજન કરી લાંચિયા અધિકારી અમિત પટેલ માટે જાળ પાંથરી તેને રૂ.10,000ની લાંચ લેતા રંગહાથ ઝડપી પાડવામાં આવ્યોહતો.
એસીબીએ અમિત પટેલની ધરપકડ કર્યા બાદ તેના વિરુદ્વ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.જે દરમિયાન એસીબી આરોપીને ઘરે વિસનગર ખાતે તપાસ કરવા પણ ગઈ હતી.જ્યાંથી એસીબીને રૂ.27,83,440/-ની રોકડ રકમ પણ મળી હતી.જે બાબતે આરોપી અમિત પટેલને પૂછતા યોગ્ય જવાબ આપ્યો ન હતો.જેથી એસીબીની ટીમ દ્વારા તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
આરોપીની સીધી ભરતીથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે નિમણૂંક કરાઈ
આરોપી વર્ષ 2018માં જી.પી.એસ.સીની સીધી ભરતીથી સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-2 તરીકે નિમણૂંક થયો હતો.તેના કાર્યક્ષેત્રમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિક બનાસકાંઠા જિલ્લાની કુલ 52 હોસ્ટેલોની દેખરેખ અને અન્ય સરકારી યોજના અમલીકરણની કામગીરી કરવાની આવી હતી.તે બનાસકાંઠા જીલ્લામાં જૂન-2022થી ફરજ બજાવે છે.આ અગાઉ તેણે આણંદ,ગાંધીનગર જીલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવેલી છે.તેઓ પોતાની કચેરીમાં નાણા સ્વીકારતા નહોતો.પણ હોસ્ટેલોના ઈન્સ્પેક્શન તથા વિઝીટ દરમિયાન લાંચના નાણાં સ્વીકારત હોવાનું પણ સામે આવ્યું છે.