૨૦૨૨-૨૩માં રૃ. ૧.૦૧ લાખ કરોડથી વધુની જીએસટી ચોરી પકડાઇ

63

– જીએસટી ચોરીના ૧૪,૦૦૦ કેસો નોંધાયા જે ગયા વર્ષે ૧૨,૫૭૪ હતાં
– ૨૦૨૧-૨૨ કરતા બમણી કરચોરી પકડાઇ : ૨૦૨૧-૨૨માં ૫૪,૦૦૦ની જીએસટી ચોરી પકડાઇ હતી

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2023, શુક્રવાર : ભારતીય ટેક્સ માળખામાં ધરમૂળમાંથી ફેરફાર કરીને શરૃ કરવામાં આવેલી નવી ટેક્સ પ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)થી સરકારને હવે બમ્પર કમાણી થઈ રહી છે.સમયાંતરે ટેક્સ કાયદા અને ઓનલાઈન સિસ્ટમમાં ફેરફાર કરીને તેમાં પારદર્શિતા લાવવા અને છટકબારીઓ બંધ કરવાના અથાગ પ્રયાસ કરી રહી છે.તેમ છતા ભેજાબાજો એનકેન પ્રકારે જીએસટી ચોરીનો રસ્તો શોધી કાઢે છે.

તાજેતરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચૂકવણીમાંથી બચવાના પ્રયાસોને ટેક્સ અધિકારીઓએ મોટા પ્રમાણમાં નિષ્ફળ બનાવ્યા છે અને રૃ. ૧.૦૧ લાખ કરોડથી વધુની કરચોરી શોધી કાઢવામાં સફળ થયા છે.એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)ના અધિકારીઓએ પણ ગત નાણાકીય વર્ષમાં કરચોરી કરનારાઓ પાસેથી રૃ. ૨૧,૦૦૦ કરોડની વસૂલાત કરી હતી. સરકાર ટેક્સ અનુપાલનને વધારવા માટે પગલાં લઈ રહી છે અને ડેટા વિશ્લેષણ અને છેતરપિંડી શોધવા માટે માનવીય ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ડીજીજીઆઈના અધિકારીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૃ. ૧,૦૧,૩૦૦ કરોડની કરચોરી શોધી કાઢી છે, જે પાછલા વર્ષની સરખામણીએ લગભગ બમણી છે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૫૪,૦૦૦ કરોડ રૃપિયાની કરચોરી પકડાઈ હતી.

૨૦૨૧-૨૨ના ૧૨,૫૭૪ કેસની સામે ગત નાણાકીય વર્ષમાં કરચોરીના લગભગ ૧૪,૦૦૦ કેસ નોંધાયા હતા. જીએસટી ન ચૂકવવા,વેપારીઓ કરપાત્ર માલસામાન અને સેવાઓના મૂલ્યની અન્ડર-રિપોટગ,કર મુક્તિના ખોટા દાવા અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના રસ્તાઓ શોધે છે.આ સિવાય ટેક્સ ચોરીમાં નકલી રસીદો જમા કરાવવા અને બનાવટી કંપનીઓ સાથેના વ્યવહારોની વિગતો પણ દર્શાવવામાં આવી છે.

Share Now