– રાજ્યના 24 જેટલા તિર્થીસ્થાનો અને આસપાસની જગ્યાની સફાઇ કરવામાં આવશે
– આવતી કાલે 22 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર : રાજ્યમાં સ્વચ્છ ભારત અંતર્ગત હવે તિર્થીસ્થાનોની સફાઇ હાથ ધરાશે.તિર્થસ્થાનોમાં આવતી કાલે ભાજપ દ્વારા મહાસફાઇ અભિયાન કાર્યક્રમ યોજાશે.જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જોડાશે.આ અભિયાન અંતર્ગત રાજ્યના 24 જેટલા તિર્થીસ્થાનો અને આસપાસની જગ્યાની સફાઇ કરવામાં આવશે.જેને લઇને આજે ભાજપની પત્રકાર પરિષદ યોજાઇ હતી.
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 22 એપ્રિલ એટલેકે શનિવારથી રાજ્યના 24 તિર્થસ્થાનોને પ્રથમ તબક્કામાં સફાઇ કરવાની શરૂઆત કરવામાં આવનાર છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ શહેરના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવશે જયારે ગૃહમંત્રી અમદાવાદ ભદ્રકાળી મંદિર ખાતેથી સફાઈ અભિયાનમાં જોડાવવાના છે.આમ અલગ અલગ મંત્રીઓ અલગ અલગ તિર્થસ્થાનેથી આ સફાઈ અભિયાનમાં જોડાવવાના છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ખાલી સફાઈ અભિયાન એ લક્ષ્ય નથી પરંતુ સફાઈ અભિયાન દરમિયાન નીકળતા ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવો,આસપાસની દુકાનોમાં વેપારીઓને કચરાપેટી આપી સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવશે.આ એક દિવસીય સફાઈ અભિયાન નથી પરંતુ આ કાયમી સફાઈ જળવાઈ રહે તે માટે રાજ્યની સરકાર,રાજ્યની સામાજિક સંસ્થાઓ અને જનતા સાથે મળી તીર્થ સ્થાનો તેમજ આખા ગુજરાતને સ્વચ્છ રાખે તે માટેનું આયોજન છે.પ્રથમ તબક્કામાં 24 તીર્થસ્થાનો ઉપરાંત પછીથી આગળના સમયમાં મહિનામાં દર ત્રીજા રવિવારના રોજ અલગ અલગ સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
તિર્થ સ્થાનો અને તેમના રોડ રસ્તા અને નજીકમાં આવતા ગામ અને મહોલ્લાને સાફ કરવાનું ભાજપના કાર્યકર્તાઓ નક્કી કર્યુ છે.આ સફાઇ અભિયાનમાં રાજકોટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી ગૃહમંત્રી હર્ષ સંઘવી,મહેસાણાથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,નાણામંત્રી કનુભાઇ વલસાડથી તેમજ જુદી-જુદી જગ્યા એથી ભાજપના નેતાઓ જોડાશે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાશે.તેમજ જિલ્લાના હોદ્દેદારો,ધારાસભ્યો,મેયર સહિત નેતાઓ આ અભિયાનમાં જોડાશે.આ પછી મહિનાના દર ત્રીજા રવિવારના રોજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા આ સફાઈ અભિયાનને આગળ વધારવામાં આવશે.