પત્નીની ધરપકડના ડરે અમ્રિતપાલે ‘આત્મસમર્પણ’ કર્યું?

51

– વાઇફની ધરપકડના ડરે તે ખૂબ પ્રેશર અનુભવતો હતો

એક મહિના કરતાં વધારે સમય સુધી પોલીસની સાથે સંતાકૂકડી રમ્યા બાદ ખાલિસ્તાની લીડર અમ્રિતપાલ સિંહ આખરે પોલીસની પકડમાં આવી ગયો છે.પંજાબ પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે તે જે ગામમાં છુપાયો હતો એને ઘેરી લેવામાં આવ્યું હતું.

પોલીસ ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવી રહી છે.જોકે, સોશ્યલ મીડિયા પર એક વિડિયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે.મોગા જિલ્લામાં રોડે ગામમાં એક ગુરુદ્વારામાં સંબોધતાં અમ્રિતપાલનો એ વિડિયો હોવાનું જણાવાયું છે, જેમાં તે કહે છે કે ‘હું સરેન્ડર કરવા જઈ રહ્યો છું.’

આ વિડિયોમાં અમ્રિતપાલ એમ કહેતો જોવા મળ્યો હતો કે આ સંત જરનૈલ સિંહ ભિંડરાંવાલેનું જન્મસ્થળ છે.આ જ સ્થળે મારી ‘દસ્તર બંધી (પાઘડી પહેરવાની) વિધિ થઈ હતી.આપણે જીવનના મહત્ત્વના તબક્કે ઊભા છીએ.છેલ્લા એક મહિનામાં જે કંઈ પણ થયું એ બધું જ તમે જોયું છે.એક મહિના પહેલાં સિખોની વિરુદ્ધ સરકાર દ્વારા અત્યાચાર કરવાનું શરૂ થયું.જો ફક્ત મારી જ ધરપકડનો સવાલ હોત તો ધરપકડ માટે અનેક રસ્તા હતા,જેના માટે મેં સહકાર આપ્યો હોત.તેણે વધુ જણાવ્યું હતું કે ભગવાનની અદાલતમાં હું દોષી નથી,પરંતુ આ દુનિયાની અદાલતમાં હું દોષી હોઈ શકું છું.એક મહિના પછી મેં નક્કી કર્યું હતું કે આ જમીન પર આપણે લડ્યા છીએ,આ જમીન પર આપણે લડીશું અને ક્યારેય આ જમીન છોડીશું નહીં.

પંજાબ સરકારમાં સોર્સિસ અનુસાર અમ્રિતપાલની વાઇફ કિરણદીપ કૌર પોલીસના રડારમાં આવી ત્યારથી તે ખૂબ જ પ્રેશર અનુભવતો હતો.બ્રિટિશ નાગરિક કિરણદીપ કૌર પર પંજાબ પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. ત્રણ દિવસ પહેલાં જ કિરણદીપ લંડન ભાગી જવાની કોશિશ કરી રહી હતી ત્યારે અમ્રિતસર ઍરપોર્ટ પર પંજાબ પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી.અમ્રિતપાલને ડર હતો કે પંજાબ પોલીસ તેની તો ધરપકડ કરી જ લશે,પરંતુ તેને ભાગવામાં મદદ કરવા બદલ તેની વાઇફની વિરુદ્ધ પણ ઍક્શન લેશે.કિરણદીપના ઇન્ડિયાના વિઝા જુલાઈ સુધી વૅલિડ છે અને તે એના પહેલાં ભારતમાંથી જતી રહેવા ઇચ્છતી હતી.અમ્રિતપાલ એટલા માટે ભારત છોડીને નહોતો ગયો કે તે તેની વાઇફને સૌપ્રથમ આ દેશમાંથી સુર​ક્ષિત રીતે બહાર લઈ જવા માગતો હતો,કેમ કે તેને ડર હતો કે પોલીસ તેની વાઇફની ધરપકડ કરશે.

આસામની દિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં કેદ કરાયો

ખાલિસ્તાની લીડર અમ્રિતપાલ સિંહને આસામમાં દિબ્રૂગઢ સેન્ટ્રલ જેલમાં ગઈ કાલે કેદ કરવામાં આવ્યો હતો.તેને પંજાબથી સ્પેશ્યલ ફ્લાઇટમાં લાવવામાં આવ્યો હતો.એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ચુસ્ત સુરક્ષા વચ્ચે અમ્રિતપાલને લઈને કાફલો જેલમાં પહોંચ્યો હતો.તેને ભટિંડાથી બપોરે ૨.૨૦ વાગ્યે દિબ્રુગઢ ઍરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો.તેને અત્યંત ચુસ્ત સુરક્ષામાં સ્પેશ્યલ સેલમાં રાખવામાં આવ્યો છે.જેલમાં આસામ પોલીસના જવાનોની સાથે પંજાબ પોલીસની એક ટીમ છે.

સિંહની જેમ આત્મસમર્પણ કર્યું : અમ્રિતપાલની માતા

અમ્રિતપાલની માતા બલવિન્દર કૌરે કહ્યું કે મને મારા દીકરાથી ગૌરવ છે.તે સિંહ છે અને તેણે સિંહની જેમ આત્મસમર્પણ કર્યું.અમ્રિતપાલના પિતા તરસેમ સિંહે કહ્યું હતું કે મારો દીકરો ડ્રગ્સના દૂષણની વિરુદ્ધ લડે છે.અમને ન્યુઝ ચૅનલ જોઈને ન્યુઝ મળ્યા.તે તેના પરિવારની સાથે સંપર્કમાં નથી.

અમ્રિતપાલ સિંહની પાસે હવે છટકવાનો કોઈ માર્ગ જ નહોતો : પોલીસ

પોલીસે જણાવ્યું હતું કે અમ્રિતપાલ મોગા જિલ્લાના રોડે ગામમાં હોવાની અમને બાતમી મળી હતી,જેના પછી મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી હતી.આ ગામમાંથી આવવા-જવાના તમામ રૂટ્સને સીલ કરી દેવામાં આવ્યા હતા. અમ્રિતપાલ એક ગુરદ્વારાની અંદર હતો.પોલીસે અમ્રિતપાલની ધરપકડ કરતી વખતે ગુરુદ્વારાની પવિત્રતા જળવાય એનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો.સિનિયર પોલીસ ઑફિસર સુખચેન સિંહે કહ્યું હતું કે અમ્રિતપાલ સિંહની ગઈ કાલે સવારે પોણાસાત વાગ્યાની આસપાસ રોડે ગામમાં પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.તેમણે વધુ જણાવ્યું હતું કે ‘અમે સંયમથી અમ્રિતપાલને ઘેરી લીધો હતો.તે કોઈ રીતે છટકી શકે એમ નહોતો.અમે રાહ જોઈ હતી અને ગુરદ્વારાની પવિત્રતા જાળવવા માટે અમે ગુરદ્વારામાં પ્રવેશ નહોતો કર્યો.અમે યુનિફૉર્મમાં પ્રવેશી શકીએ એમ નહોતા.અમ્રિતપાલ સિંહને નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ દિબ્રૂગઢમાં મોકલવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવશે.

Share Now