વલસાડ, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : ચાંપલધરા ગામે વિધાનસભાની ચૂંટણી પહેલા મંજૂર થયેલો માર્ગ નવિનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ આજદિન સુધી આ માર્ગની કામગીરી નહીં કરાતા લોકોમાં અસંતોષ ફેલાયો છે.લોકોમાં આ કામનું મુહૂર્ત ક્યારે આવશે ? એવો સવાલ ચર્ચાઇ રહ્યો છે.
વાંસદા તાલુકાના ચાંપલધરા ગામે વિધાનસભાની ચૂંટણી પહેલા નવિનીકરણ માટે અલગ અલગ માર્ગ મંજૂર થયા હતા.નવસારી જિલ્લાનાં વાંસદા મતવિસ્તારમાં અગાઉ વર્ષ 2022-23 હેઠળ વિવિધ યોજના મળી કુલ રૂ. 22.58 કરોડના માર્ગ મંજૂર થયા હતાં.જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અલગ અલગ માર્ગના નવિનીકરણની મંજૂરી મળી હતી.જ્યારે ચાંપલધરામાં પણ અલગ અલગ માર્ગ મંજૂર થયા હતા.જેમાં ચાપલધરા પંચાયત ઘરથી દૂધ મંડળી થઈ ડુંગરી ફળિયા મોહન છીબાના ઘર થઈ રામજી મંદિર થઈ દેવલીમાદી સુધીનો માર્ગ લોકો માટે ઉપયોગી છે.
આ માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળે છે.જેને લઇને ગામલોકોને હાલાકી વેઠી રહ્યાં છે ત્યારે ગામ આગેવાનોની અનેક રજૂઆત કરાતા જેતે સમયના માર્ગ અને મકાન વિભાગ મંત્રીને નવસારી જિલ્લાના ભાજપ પ્રમુખની સીધી ભલામણથી આ માર્ગની નવિનીકરણની મંજૂરી આપી હતી.હાલ આ માર્ગ પર ખાડા પડી જતા ગ્રામજનોએ અમુક જગ્યા પર માટી નાંખી ખાડા પૂરી દેવાયા હતા.
ચૂંટણી સમયે જ આ માર્ગો જિલ્લા ભાજપ પ્રમુખની ભલામણથી તે સમયના માર્ગ અને મકાનના મંત્રી દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવી નવિનીકરણના કામને મંજૂર કરાયો હતો,જે વાતને 6થી 7 મહિનાનો સમય વિતવા છતાં હજુ આ માર્ગ બિસ્માર જ છે.આ માર્ગ મંજૂર થતા વાંસદા ભાજપના નેતાઓએ ખાતમુહૂર્ત પણ કરી દીધું હતું.આ વાતને મહિનાઓ વિતી ગયા છે પણ સ્થળ પર કોઈ મટિરિયલ સુદ્ધાં નંખાયું નથી.ત્યારે જોવાનું એ રહ્યું કે ખાતમુહૂર્ત તો થઈ ગયું પણ નવિનીકરણનું કામ ચાલુ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે એ જોવું રહ્યું.