– ભાજપે ખેડૂત મત વિભાગની તમામ બેઠક કબ્જે કરી, ખરીદ વેચાણ સંઘમાં પૂર્વ પ્રમુખ વિજેતા
સોનગઢ, તા. 28 એપ્રિલ 2023 શુક્રવાર : સોનગઢ ખાતેની એપીએમસીની વ્યવસ્થાપક સમિતિની યોજાયેલી ચૂંટણી અંગેની મતગણતરી ગુરુવારે યોજવામાં આવી હતી.આ ચૂંટણીના પરિણામમાં ભાજપ સમર્થિત પેનલનો ભવ્ય વિજય થયો હોવાનું નોંધાયું હતું.ભાજપ દ્વારા ખેડૂત મત વિભાગની તમામ દસ બેઠકો ભારે માર્જિન સાથે જીતી લેવામાં આવી હતી જ્યારે આપ પાર્ટીના નેતા અને પૂર્વ પ્રમુખની પેનલને એક માત્ર બેઠક મળી હતી.સોનગઢ એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં અપેક્ષા મુજબના જ પરિણામ આવ્યાં હતાં.
સમિતિની દસ ખેડૂત મત વિભાગની અને એક ખરીદ વેચાણ સંઘની એમ મળી કુલ 11 બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી જ્યારે વેપારી પ્રતિનિધિઓની ચાર બેઠક પર ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતાં,જેની ચૂંટણી થઈ એ અગિયાર બેઠક પર પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ગામિતે પોતાની પેનલ ઉતારી હતી જ્યારે સામે પક્ષે ભાજપ સમર્થિત પેનલના ઉમેદવારોએ પણ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું.ચૂંટણી પહેલાં જ આપ પેનલના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું જ્યારે બે ઉમેદવારોએ ફોર્મ પરત લઈ લેતાં 11 બેઠક પર ભાજપના 11 અને આપ પાર્ટીના 08 મળી કુલ 19 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતાં.
ગુરુવારે આવેલ ચૂંટણી પરિણામમાં શરૂઆતથી જ ભાજપ સમર્થિત પેનલના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં હતાં અને જાહેર થયેલાં પરિણામમાં ખેડૂત મત વિભાગની તમામ દસ બેઠક પર ભાજપ સમર્થિત પેનલના તમામ ઉમેદવારો વિજેતા બન્યાં હતાં.એ સાથે જ આપ પેનલ માટે આશ્વાસન લેવા જેવી એક બાબત બની હતી કે તેમનાં સુકાની એવાં અરવિંદભાઈ ગામીત ખરીદ વેચાણ સંઘની એક બેઠક પર વિજેતા બન્યાં હતાં.
આ પહેલાં ચાર વેપારી પ્રતિનિધિ પૈકીના ત્રણ સભ્યોએ પણ બીજેપી પેનલને ટેકો જાહેર કરી દીધો હતો.જીતેલા તમામ ઉમેદવારોને ગુજરાત રાજ્યમંત્રી કુંવરજી ભાઈ હળપતિ અને ધારાસભ્ય અને જિલ્લા બીજેપી પ્રમુખ જયરામભાઈ ગામિતે સંબોધ્યા હતાં.બીજેપીની આ જીતમાં જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા,માજી મંત્રી કાંતિભાઈ ગામીત,તાપી જિલ્લા બીજેપી મહામંત્રી મયંકભાઈ જોશી,સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર જીગ્નેશભાઈ દોણવાળાની રણનીતિ સફળ નીવડી હતી.


