– શ્રીનગર, અવંતિપોરા, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં લગભગ 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
નવી દિલ્હી, તા. 02 મે 2023, મંગળવાર : NIA એ ટેરર ફન્ડિંગ મામલે આજે સવારે કાશ્મીર ઘાટીમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો.અધિકારીઓએ જણાવ્યું કે, શ્રીનગર,અવંતિપોરા, પુલવામા,કુલગામ અને અનંતનાગમાં લગભગ 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે, NIAએ શ્રીનગરના સોજેથ વિસ્તારમાંથી પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિની ઓળખ ઈશાક અહમદ ભટ તરીકે થઈ છે.
શંકાસ્પદના પિતા મોહમ્મદ રમઝાન ભટે જણાવ્યું કે NIAની ટીમ સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે આવી હતી.તેમણે ઈશાક વિશે પૂછ્યું અને તેને સાથે લઈ ગયા.તેનો મોબાઈલ પણ લઈ લીધો છે.તેમણે જણાવ્યું કે, તે મજૂર તરીકે કામ કરે છે.ઈશાકના પિતાએ જણાવ્યું કે, અમારો કોઈપણ આતંકવાદી જૂથ કે પથ્થરમારાની ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી.
ઈશાકના ભાઈ બિલાલ ભટે જણાવ્યું કે, ઈશાક ભણેલો નથી અને બારી લગાવવાનું કામ કરે છે. NIA ગયા વર્ષે નોંધાયેલા ટેરર ફંડિંગ કેસની તપાસના સંદર્ભમાં દરોડા પાડી રહી છે.લગભગ એક મહિના પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ટેરર ફન્ડિંગ સાથે સબંધિત એક બિન-સરકારી સંસ્થા (NGO) સાથે સબંધિત મામલે જમ્મુ-કાશ્મીર સિટિઝન્સ ગ્રુપ્સ ગઠબંધન (JKCCS) ના સંયોજક ખુર્રમ પરવેઝની ધરપકડ કરી હતી.
અગાઉ NIAએ આ જ કેસમાં શ્રીનગરમાંથી ઈરફાન મેહરાજની ધરપકડ કરી હતી. NIAના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર 2020માં નોંધાયેલા ટેરર ફંડિંગ કેસમાં વ્યાપક તપાસ બાદ શ્રીનગરનો ઈરફાન મેહરાજ પહેલો આરોપી છે જેની ધરપકડ કરવામાં આવી.

